Pakistanમાં સંતાયેલા વધુ એક Khalistani આતંકી લખબીર સિંહનું મોત, ભિંડરાવાલેનો હતો ભત્રીજો

Khalistani Terrorist: ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડે 72 વર્ષનો હતો. તે પોતાની જાતને પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શિખ યૂથ ફેડરેશનનો પ્રમુખ ગણાવતો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાનમાં સંતાયેલા વધુ એક ખાલિસ્તાની આતંકીનું મોત થયું.
  • ભારતમાં અનેક હુમલાઓ કરવામાં તેનો મોટો હાથ હતો.
  • તેનો પરિવાર કેનેડામાં રહે છે, પોતે પાકિસ્તાનમાં રહેતો હતો.

પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં છૂપાયેલા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહનું મોત થયું છે. લખબીર સિંહ ભિંડરાવાલેનો ભત્રીજો હતો. તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે ભારત વિરુદ્ધ પંજાબમાં ખાલિસ્તાની ગતિવિધિઓમાં સામેલ રહેતો હતો. પાકિસ્તાનમાં સંતાયેલા લખબીર સિંહનું મોત હાર્ટ એટેકના કારણે બીજી ડિસેમ્બરના રોજ થયું હતું. આ વાત ફેલાય નહીં એટલા માટે ચોરી છૂપે તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. લખબીર  સિંહ રોડે 72 વર્ષનો હતો. ભારતમાંથી ભાગ્યા બાદ તે પાકિસ્તાનમાં સંતાઈને રહેતો હતો.

ભારતનો મોસ્ટ વોન્ટેડ હતો 
ભારતમાં થયેલા કેટલાંક હુમલાનો માસ્ટરમાઈન્ડ લખબીર સિંહ હતો. તે ભારતના આતંકીઓના લિસ્ટમાં સામેલ હતો. એ વાતની પણ પુષ્ટિ થઈ ચૂકી છે કે, હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું છે. લખબીર સિંહના બે દીકરા, એક દીકરી અને પત્ની કેનેડામાં રહે છે. 

ભારતમાંથી ભાગીથી પાકિસ્તાન પહોંચેલો
લખબીર સિંહ પંજાબના મોગા જિલ્લાના રોડે ગામનો વતની હતો. ભારતમાંથી ભાગીને તે દુબઈ ગયો હતો. ત્યાંતે પાકિસ્તાન જતો રહ્યો હતો અને પોતાના પરિવારને કેનેડામાં જ રાખ્યા હતા. તેણે બ્રિટન, જર્મની, કેનેડા અને અમેરિકા સહિત કેટલીક જગ્યાએ પોતાની શાખા શરુ કરી હતી. સાથે જ તે ભારતમાં ગેરકાયદે હથિયારો અને વિસ્ફોટકો મોકલવાનો પણ આરોપી છે. 

ભારતમાં અનેક હુમલાઓનો માસ્ટરમાઈન્ડ
લખબીર સિંહ રોડે પર આરોપ છે કે તેણે સ્થાનિક ગેંગસ્ટર દ્વારા પંજાબમાં કેટલાંક હુમલાઓ કરાવ્યા હતા. ભારતમાં અનેક હુમલાઓના કાવતરાનો આરોપ પણ છે. 15 સપ્ટેમ્બર 2021માં પંજાબમાં એક ટિફિન બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એનઆઈએની તપાસમાં ખુલાસો થયો હતો કે, આની પાછળ લખબીર સિંહનો હાથ હતો. 2021થી 2023માં બનેલી કેટલીક આતંકી ઘટનાઓમાંથી 6 આતંકી ઘટનાઓમાં લખબીર સિંહનો હાથ હોવાનું ખૂલ્યું હતું. તે ડાયાબિટીસનો પેશન્ટ હતો. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, શિખ સમુદાયની રિતી રિવાજ મુજબ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.