UK જવાનું વિચારી રહ્યા છો? ઋષિ સુનકના આ નિર્ણયથી તમને લાગશે મોટો ઝટકો!

બ્રિટિશ સરકારે દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. સુનકે કહ્યું છે કે દેશમાં સ્થળાંતરનું સ્તર ઘણું ઊંચું છે.

Share:

હાઈલાઇટ્સ

  • વિઝા માટે ખૂબ જ ઊંચી પગાર મર્યાદા નક્કી કરાઈ છે
  • વિદ્યાર્થીઓ તેમના પરિવારને પણ સાથે નહીં લાવી શકે

બ્રિટિશ સરકારે દેશમાં ઈમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે સરકારે ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેથી યુકે જતાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ જે દર વર્ષે હજારોની સંખ્યામાં યુકે જતા હોય છે, તેમના માટે આ એક મોટો ઝટકો છે. યુકેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પગલાથી આશરે 300,000 વ્યક્તિઓને અસર થશે, જેઓ હવે નવા નિયમો હેઠળ યુકેમાં પ્રવેશવાને પાત્ર રહેશે નહીં. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાકે કહ્યું કે, સ્થળાંતરનું સ્તર ઘણું ઊંચું છે અને તેઓ તેને બદલવા માટે પ્રતિબદ્ધ છે.

ઋષિ સુનકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'અમે હમણાં જ નેટ માઈગ્રેશનમાં અત્યાર સુધીના સૌથી મોટા કાપની જાહેરાત કરી છે.  ઈતિહાસમાં આ પહેલા કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી. નવા નિયમોમાં કૌશલ્ય આધારિત વિઝા મેળવવા માટે વિદેશી કામદારો માટે ઉચ્ચ પગાર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સિવાય પરિવારના સભ્યોને આશ્રિત તરીકે લાવવા પર પણ પ્રતિબંધ છે. હાઈ ઇમિગ્રેશનને ટાંકીને યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે આ નિયમો સ્થળાંતર ઘટાડવામાં મદદ કરશે અને માત્ર દેશને જ ફાયદો થશે.

ભારતીયો પર પડશે અસર
મળતી માહિતી અનુસાર બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ હાઉસ ઓફ કોમન્સમાં જાહેરાત કરી હતી કે, કાર્યવાહીના ભાગરૂપે, હેલ્થ એન્ડ કેર વિઝા પરના ડોકટરો હવે તેમના પરિવારના કોઈપણ સભ્યોને તેમની સાથે લાવી શકશે નહીં. આવી સ્થિતિમાં એક વાત નક્કી છે કે આ નિર્ણયની અસર ભારતીયોને પણ થશે. તે જ સમયે, સ્કીલ્ડ વર્ક વિઝા દ્વારા બ્રિટન આવવા માટે અરજી કરનારાઓની વેતન મર્યાદા વર્તમાન 26,200 બ્રિટિશ પાઉન્ડથી વધારીને 38,700 બ્રિટિશ પાઉન્ડ કરવામાં આવશે.

આ ઉપરાંત ફેમિલી વિઝા કેટેગરી હેઠળ અરજી કરનારાઓ માટે પણ સમાન પગારની રકમ લાગુ થશે, જે હાલમાં 18,600 બ્રિટિશ પાઉન્ડ છે. ક્લેવરલીએ સંસદને જણાવ્યું હતું કે 'ઇમિગ્રેશન નીતિ ન્યાયી, સુસંગત, કાનૂની અને ટકાઉ હોવી જોઈએ.' નવા નિયમો 2024ની શરૂઆતમાં અમલમાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કડક નવા ઇમિગ્રેશન નિયમોથી દર વર્ષે બ્રિટન જવા માટે સક્ષમ લોકોની સંખ્યામાં લાખો ઘટાડો થશે.