યૂક્રેન વિરુદ્ધ રશિયા માટે યુદ્ધ લડી રહેલાં 100 નેપાળીઓ લાપતાઃ વિદેશ મંત્રી

આ મહિનાની શરુઆતમાં છ નેપાળી સૈનિકનાં મોત થયા હતા. ત્યારે આ સમાચાર સામે આવ્યા બાદ નેપાળે રશિયાને કહ્યું છે કે, તેઓ તેમના નાગરિકોનો ઉપયોગ કરવાનું બંધ કરી દે.

Share:

હાઈલાઇટ્સ

  • રશિયા તરફથી 200 નેપાળીઓ લડી રહ્યાં છે યુદ્ધ
  • 100 નેપાળીઓ લાપતા થયાઃ વિદેશ મંત્રી
  • રશિયા સરકારને પગલાં લેવા કરી રજૂઆત

કાઠમાંડુઃ નેપાળના વિદેશ મંત્રી નારાયણ પ્રસાદ સૌદે કહ્યું કે, રશિયા અને યૂક્રેન વોરમાં 200 નેપાળી નાગરિકો સૈનિક તરીકે રશિયા તરફથી લડી રહ્યાં છે. જેમાં 100 નેપાળી સૈનિકોનાં મોત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ મહિનાની શરુઆતમાં 6 નેપાળી સૈનિકો માર્યા ગયા હતા. જેઓ યૂક્રેન વિરુદ્ધ રશિયા તરફથી યુદ્ધ લડી રહ્યા હતા. એ પછી નેપાળ સરકારે રશિયાને કહ્યું હતું કે, તેઓ તેમના નાગરિકોનો ઉપયોગ કરવાનું બંધ કરે. તેમને સહાયતા અને અન્ય સુવિધાઓ આપવામાં આવે. સાથે જ તેઓને તરત નેપાળ મોકલલામાં આવે. જો કે, એ પછી રશિયાએ શું પગલાં લીધા એ વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. 

100 નેપાળી લાપતા 
નેપાળની એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં વિદેશ મંત્રી સૌદે કહ્યું કે, કુલ મળીને 200 નેપાળી નાગરિક રશિયા યુક્રેન યુદ્ધમાં સામેલ થયા હતા. જેમાંથી 100 લાપતા છે. બની શકે છે કે કેટલાંક ઘાયલ હોઈ શકે છે. કે પછી માર્યા ગયા હોય કે પછી યૂક્રેનની કસ્ટડીમાં હોય. અમારી પાસે આ મામલે ચોક્કસ અને પૂરતી માહિતી નથી. અમે આ વિશે રશિયાની સરકાર સાથે વાતચીત પણ કરી છે. 

તપાસ કરવામાં આવી રહી છે 
વિદેશ મંત્રીએ આગળ જણાવ્યું કે, રશિયાની સરકારને અમે જણાવ્યું કે કેટલાંક નેપાળી નાગરિક યુદ્ધમાં સામેલ છે. જેમાંથી 7નાં મોત થઈ ચૂક્યા છે. અમને કેટલાંક નેપાળી પરિવારોએ લાપતા હોવાની જાણકારી આપી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. અમે રશિયા એમ્બેસેડરને બોલાવીને તેમની સામે આ વાત રજૂ કરી છે. અમે તેમને વિનંતી કરી છે કે, અમારી ચિંતાઓ વિશે વ્લાદિમીર પુતિન સરકાર સાથે વાતચીત કરે અને લેવામાં આવેલાં પગલા વિશે અમને જાણકારી આપવામાં આવે. અમે પણ હજુ સુધી એ નથી જાણતા કે અમારા દેશના કેટલાં નાગરિકો યુદ્ધ લડી રહ્યાં છે. કેટલીક જાણકારીના આધારે 200 જેટલાં નેપાળી નાગરિક યુદ્ધ લડી રહ્યા હોવાની વાત સામે આવી છે. 

હવે સર્ટિફિકેટની જરુર 
નેપાળના વિદેશ મંત્રીએ કહ્યું કે, યુદ્ધ જેવી સ્થિતિમાં કેટલાંક પગલાં લેવા મુશ્કેલ હોય છે. અમે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને છ ખાડી દેશોના રસ્તે રશિયા જતા નેપાળી નાગરિકો માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કરી દીધું છે. જેમાં બતાવવું પડશે કે તેઓ રશિયા શા માટે જઈ રહ્યાં છે. આ સર્ટિફિકેટ વગર તેઓ મોસ્કો જઈ શકશે નહીં.