રોહિત શર્મા પોસ્ટરમાંથી પણ ગાયબ, T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા હશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન?

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપને લઈને શરૂ થયેલો વિવાદ હજુ પત્યો નથી ને T20 વર્લ્ડ કપના પોસ્ટર પર હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના ચાહકો ફરી સામસામે આવી ગયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારત-પાકિસ્તાન મેચના બેનરમાં હાર્દિકનો ફોટો
  • T20 WC પહેલા ભારતીય ક્રિકેટમાં નવો વિવાદ

1 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ Aમાં છે, બંને વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં સખત ટક્કર થવાની છે. આ ટુર્નામેન્ટ યુએસ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 5 જાન્યુઆરીની મોડી સાંજે વિશ્વ કપનું શિડ્યુલ આવતાની સાથે જ ભારતીય ક્રિકેટમાં નવો વિવાદ ઉભો થયો છે. ચહેરાને લઈને વિવાદ, કેપ્ટનશિપને લઈને વિવાદ અને પોસ્ટરને લઈને વિવાદ. ખરેખર, શેડ્યૂલ જાણ્યા પછી એટલે કે કઈ ટીમ કોની સામે ક્યારે લડશે તેને લઈને વર્લ્ડ કપના ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે એક પોસ્ટર રિલીઝ કર્યું. ભારત-પાકિસ્તાન મેચનું આ પોસ્ટર સોશિયલ મીડિયા પર અપલોડ થતાની સાથે જ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ફેન્સ ફરી એકવાર સામસામે આવી ગયા હતા.

પોસ્ટરમાં હાર્દિક પંડ્યાનો ફોટો પાકિસ્તાનના નવા નિયુક્ત ટી-20 કેપ્ટન શાહીન શાહ આફ્રિદી સાથે મૂકવામાં આવ્યો છે. આ જ વિવાદનું વાસ્તવિક મૂળ પણ છે. આ પોસ્ટે ચાહકોમાં મૂંઝવણ ઉભી કરી છે. વિશ્વકપ માટે BCCI દ્વારા હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ છે. બીજી તરફ રોહિત શર્માને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નહીં મળે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાને લઈને સોશિયલ મીડિયા પર કોમેન્ટસનું પૂર આવ્યું હતું.

જોકે, ટુર્નામેન્ટ શરૂ થવામાં હજુ છ મહિનાનો લાંબો સમય બાકી છે, તેથી ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ કેવી હશે તેની આગાહી કરી શકાય નહીં. કોને સ્થાન મળશે, કેપ્ટનશીપ કોણ સંભાળશે. ખેર, આ વખતનો વર્લ્ડ કપ ઘણી રીતે ખાસ બનવાનો છે. ટુર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતની મોટાભાગની મેચોનો પ્રારંભ સમય 8:30 PM IST છે. સેમી-ફાઇનલ મેચો ગુયાના અને ત્રિનિદાદમાં અનુક્રમે 26 અને 27 જૂને રમાશે જ્યારે 29 જૂને બાર્બાડોસમાં ફાઇનલ રમાશે.