IND-AFG વચ્ચે આજે સીરિઝની છેલ્લી T-20 મેચ, માત્ર એક જીત અને રોહિત તોડશે ધોનીનો રેકોર્ડ

ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામેની શ્રેણીની ત્રીજી T20 મેચ માટે બેંગલુરુ પહોંચી ગઈ છે. જો ભારત આ મેચ જીતી જશે તો કેપ્ટન રોહિત શર્મા એક બાબતમાં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે.

Share:

હાઈલાઇટ્સ

  • રોહિત અને ધોનીએ અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે 41-41 જીત નોંધાવી
  • 17 જાન્યુઆરીએ ભારત અફઘાનિસ્તાનને હરાવે તો રોહિત ધોનીનો રેકોર્ડ તોડી દેશે

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે T20 શ્રેણી રમી રહી છે. ભારત અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ માટે બેંગલુરુ પહોંચી ગયા છે. જો યજમાન ટીમ આ મેચ જીતશે તો કેપ્ટન રોહિત શર્મા એક બાબતમાં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે. તે ભારત માટે સૌથી વધુ T20 જીતનારો કેપ્ટન બનશે.

ધૂરંધર ઓપનર રોહિત શર્મા હાલમાં ભારતીય T20 ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. ભારતીય ટીમે નવા વર્ષની શરૂઆત શાનદાર અંદાજમાં કરી હતી. T20 વર્લ્ડ કપ પહેલા તેની છેલ્લી શ્રેણીમાં, ભારતે અફઘાનિસ્તાન સામે 2-0ની અજેય સરસાઈ જાળવી રાખી છે. રોહિતે આ ફોર્મેટમાં શાનદાર સ્ટાઈલમાં વાપસી કરી હતી. તે સપ્ટેમ્બર-2022 પછી પ્રથમ વખત ભારતીય T20 ટીમનો ભાગ બન્યો અને તેણે સતત બંને T20 મેચોમાં અફઘાનિસ્તાનને હરાવ્યું.

ભલે રોહિત શર્માનું બેટ અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાં અત્યાર સુધી શાંત છે, પરંતુ તે મહાન મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરવામાં સફળ રહ્યો. રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં દિગ્ગજ ધોનીનો રેકોર્ડ તોડવામાં માત્ર એક પગલું પાછળ છે. અત્યાર સુધી ધોનીએ ટી20માં ભારત માટે સૌથી વધુ જીત મેળવી હતી, પરંતુ બીજી ટી20 બાદ રોહિત શર્માએ તેની બરાબરી કરી લીધી હતી. હવે રોહિત શર્મા બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી અફઘાનિસ્તાન સામેની શ્રેણીની છેલ્લી T20માં જીત નોંધાવતાની સાથે જ ભૂતપૂર્વ કેપ્ટન ધોનીને પાછળ છોડી દેશે. રોહિત અને ધોનીએ અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે 41-41 જીત નોંધાવી છે.

રોહિત શર્માએ તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં અત્યાર સુધી 150 ટી20 મેચમાંથી 53માં કેપ્ટનશિપ કરી છે. તે જ સમયે, ધોનીએ 98 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 72માં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. રોહિત અને ધોનીએ આમાંથી 41-41 મેચ જીતી હતી. હવે ત્રીજી T20માં અફઘાનિસ્તાનને હરાવીને રોહિત શર્મા મહાન વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે. અત્યાર સુધી ટી20 ફોર્મેટમાં કોઈપણ કેપ્ટન માટે સૌથી વધુ જીત પાકિસ્તાનના બાબર આઝમ, અફઘાનિસ્તાનના અસગર અફઘાન અને ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનના નામ પર છે.