Ind vs Aus: ત્રીજી T20માં મેક્સવેલની તોફાની ઈનિંગ્સના કારણે 5 વિકેટથી ઓસ્ટ્રેલિયાની જીત

છેલ્લી ઓવરમાં ગાયકવાડે મેક્સવેલ સામે શાનદાર બેટિંગ કરી 30 રન બનાવ્યા હતા અને પોતાની પ્રથમ સદી પણ પૂરી કરી હતી

Courtesy: Image: Twitter

Share:

 

Ind vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સીરિઝની પહેલી 2 મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉત્સાહમાં હતા અને સતત ત્રીજી મેચ જીતી સીરિઝ પર કબજો જમાવવાના મૂડમાં હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ T20 સીરિઝ જીવંત રાખવા કોઈ પણ હિસાબે મેચ જીતવી પડે તેમ હતું. તેવામાં ગુવાહાટી ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા (Ind vs Aus) વચ્ચે ફરી એક વખત ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. 

 

ગ્લેન મેક્સવેલની સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ T20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમે 5 મેચની શ્રેણીમાં 2-1થી પુનરાગમન કર્યું છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આગામી 1 ડિસેમ્બરના રોજ રાયપુરમાં શ્રેણીની ચોથી મેચ રમાશે. 

Ind vs Ausમાં મેક્સવેલનો જલવો

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 223 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ટીમે છેલ્લી 2 ઓવરમાં 43 રન બનાવીને જીત મેળવી હતી. ગ્લેન મેક્સવેલ 48 બોલમાં 104* રનની વિસ્ફોટક ઈનિંગ રમ્યો હતો. તેણે 8 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન મેથ્યુ વેડ 16 બોલમાં 28* રન બનાવીને અણનમ રહ્યો હતો. ટ્રેવિસ હેડે 18 બોલમાં 35 રન બનાવ્યા હતા.

 

ભારત-ઓસ્ટ્રેલિયા (Ind vs Aus) વચ્ચેની ત્રીજી મેચમાં 223 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલા કાંગારૂ ઓપનરોએ ઝડપી શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 4 ઓવરમાં કોઈપણ નુકસાન વિના 46 રન બનાવ્યા હતા. 5મી ઓવરમાં અર્શદીપ સિંહ અને છઠ્ઠી ઓવરમાં અવેશ ખાને ભારતને એક-એક સફળતા અપાવી હતી. અર્શદીપે એરોન હાર્ડીને અને અવેશે ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 ઓવર પછી 67/2 હતો.

ગાયકવાડની સદી

ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. ઈનિંગની છેલ્લી ઓવરમાં 30 રન થયા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડ 57 બોલમાં 123 રનની ઈનિંગ રમ્યો હતો. તેણે તેની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ગાયકવાડે પોતાની સદી છગ્ગા સાથે પૂરી કરી હતી. ગાયકવાડે પોતાની ઈનિંગમાં 13 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. તિલક વર્મા 31 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ 39 રનની ઈનિંગ રમ્યો હતો.

 

છેલ્લી ઓવરમાં ગાયકવાડે મેક્સવેલ સામે શાનદાર બેટિંગ કરી 30 રન બનાવ્યા હતા અને પોતાની પ્રથમ સદી પણ પૂરી કરી હતી. ગાયકવાડ અને વર્મા વચ્ચે 141 રનની ભાગીદારી થઈ હતી. મેક્સવેલની આ ઓવર ઓસ્ટ્રેલિયા માટે T20 ઈતિહાસની સૌથી મોંઘી ઓવર હતી. ભારતે ડેથ ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 74 રન બનાવ્યા હતા.