4.5 લાખમાં ટિકિટ ખરીદી છતાં તૂટેલી સીટ મળી, એર ઈન્ડિયા પર ભડકી મહિલા પેસેન્જર

એક મહિલા પેસેન્જરે ફ્લાઇટમાં તૂટેલી સીટને લઈ એર ઈન્ડિયા પ્રત્યે રોષ ઠાલવ્યો છે. તાજેતરમાં જ એક મહિલા જેણે તેના પતિ અને બે બાળકો સાથે દિલ્હીથી ટોરોન્ટો માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ લીધી હતી તેણે સોશિયલ મીડિયા પર ખરાબ અનુભવ શેર કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • મહિલા મુસાફરે વાયરલ થઈ રહેલા વીડિયોમાં પોતાની નિરાશા વ્યક્ત કરી હતી
  • 4.5 લાખની ટિકિટ તેમ છતાં નબળી સુવિધાઓ મળતા એરલાઈનની ટીકા કરી

તમે લાખો રૂપિયા ખર્ચીને ફ્લાઈટની મુસાફરી કરો અને તમને તૂટેલી સીટ મળે તો તમને કેવું લાગશે એમાં પાછી લાંબી યાત્રા હોય. આવો જ એક કિસ્સો મહિલા પેસેન્જરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેમણે એર ઈન્ડિયાનો કડવો અનુભવ થયો. પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં એક મહિલાએ પોતાના પતિ અને બે બાળકો સાથે દિલ્હીથી ટોરોન્ટો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પોતાનો અનુભવ શેર કર્યો છે. વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઈન્સ્ટાગ્રામ યુઝર શ્રેયી ગર્ગે કહ્યું કે તેણે ટિકિટ માટે લાખો રૂપિયા ખર્ચ્યા પરંતુ ફ્લાઈટની અંદર તેને નબળી સુવિધાઓ મળી.

જુઓ વાયરલ વીડિયો

માહિતી અનુસાર, શ્રેયી ગર્ગે ટિકિટ માટે 4.5 લાખ રૂપિયાની રકમ ચૂકવવા છતાં તેની નબળી સુવિધાઓ માટે એરલાઇનની ટીકા કરી હતી. વાયરલ વીડિયોમાં, શ્રેયીએ પહેલા તેની સ્ક્રીન પર ઇન-ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ બતાવી અને કહ્યું કે તે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તેણે બતાવ્યું કે કેવી રીતે ઓવરહેડ લાઇટ કામ કરતી ન હોવાને કારણે, તેણે અંધારામાં તેના બાળકને મદદ કરવા માટે તેના મોબાઈલ ટોર્ચ ચાલુ કરવી પડી.

એટલું જ નહીં, વીડિયોમાં શ્રેયીએ બહાર નીકળેલા વાયર સાથે તૂટેલા સીટના હેન્ડલને લઈને સલામતીની ચિંતાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે આ બાળક માટે સંભવિત ખતરો હોઈ શકે છે. તેણીએ લખ્યું, દુર્ભાગ્યવશ, હું તૂટેલી સીટના હેન્ડલની તસવીર લેવાનું ભૂલી ગઈ અને ખરેખર મારા બાળકને ઈજા થવાથી બચાવવી પડી કારણ કે સિસ્ટમમાંથી તમામ વાયર બહાર આવી રહ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ પર શેર થયા બાદ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. જેને 2.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા અને ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. એક યુઝરે આવો જ અનુભવ શેર કરતા કહ્યું કે, 'ટોરોન્ટો દિલ્હી સેક્ટરમાં મારી સાથે પણ આવું જ હતું, કોઈપણ સ્ક્રીન કામ કરતી ન હતી, પહેલા મને લાગતું હતું કે આ એક અસ્થાયી સમસ્યા છે પરંતુ હવે મને ખાતરી છે કે તે કાયમી છે.

જો કે, કોમેન્ટ બોક્સમાં યુઝર્સના અસંમત મંતવ્યો હતા. એક યુઝરે વ્યંગાત્મક રીતે ટિપ્પણી કરી, કલ્પના કરો કે ફ્લાઇટમાં તમારા બાળકોનું મનોરંજન કરવું અને તેની સંભાળ રાખવી એ એરલાઇન્સની જવાબદારી છે. મને આશ્ચર્ય થાય છે કે ઓનબોર્ડ સ્ક્રીન ઇન્સ્ટોલ થાય તે પહેલાં માતાપિતાએ ક્યારેય બાળકો સાથે કેવી રીતે મુસાફરી કરી હતી. બીજાએ ધ્યાન દોર્યું કે, તમે મુસાફરી માટે ચૂકવણી કરી છે, મનોરંજન માટે નહીં. મનોરંજન એ તમને મળતો વધારાનો લાભ છે. ઘણા લોકો કદાચ જ્ઞાનના અભાવને કારણે આ પ્રકારની વસ્તુઓ સાથે મૂંઝાઈ જાય છે.

શ્રેયીએ દાવો કર્યો હતો કે નિરાશાજનક સેવાઓ અંગે એરલાઇન સ્ટાફને ફરિયાદ કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી. નિરાશા વ્યક્ત કરતા, તેમણે કહ્યું કે એવું લાગે છે કે તેઓએ સિસ્ટમ રીબૂટ કરી છે પરંતુ તેમ છતાં બધું કામ કરતું નથી. અમે 2 બાળકો સાથે લાચાર હતા અને બધું જાતે જ મેનેજ કરવું પડ્યું. ત્યારબાદ તેમણે એર ઈન્ડિયાની ટીકા કરતા કહ્યું કે, એર ઈન્ડિયાની સૌથી પહેલા ટિકિટની કિંમત પહેલાથી જ ઘણી વધારે છે અને તે ઉપરાંત તમે મુસાફરો માટે મુસાફરીને સરળ બનાવવાને બદલે તેને વધુ ખરાબ કરી દીધી છે, ખાસ કરીને બાળકો સાથે મુસાફરી કરતા માતા-પિતા માટે તેને અસુવિધાજનક બનાવી દીધી છે.