Vibrant Gujarat Summit: સુઝુકી મોટર્સ 35,000 કરોડનું રોકાણ કરશે, વાંચો વિગતો

ગુજરાતમાં બીજા કાર પ્લાન્ટનું નિર્માણ સુઝુકી મોટર્સ માટે દર વર્ષે 10 લાખ યુનિટની વધારાની ઉત્પાદન ક્ષમતામાં પરિણમશે.

Share:

હાઈલાઇટ્સ

  • કંપની હાલના પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનમાં રૂ. 3,200 કરોડ ઈન્વેસ્ટ કરશે

Vibrant Gujarat Summit 2024 investment boost: જાપાની કાર નિર્માતા સુઝુકી મોટર્સે ગુજરાતમાં નોંધપાત્ર રોકાણ કરવાની તેની યોજના જાહેર કરી છે. કંપની ગુજરાતમાં તેના હાલના પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનમાં રૂ. 3,200 કરોડ અને રાજ્યમાં બીજા પ્લાન્ટમાં રૂ. 35,000 કરોડનું વધારાનું રોકાણ કરશે.

સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ, તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે કંપની આ વર્ષના અંત પહેલા ગુજરાત પ્લાન્ટમાંથી તેનું પ્રથમ ઈલેક્ટ્રિક વાહન લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંપની ભારતમાં માત્ર આ ઈલેક્ટ્રિક વ્હીકલ મોડલ વેચવા જ નહીં પરંતુ તેને જાપાન અને કેટલાક યુરોપિયન દેશોમાં પણ નિકાસ કરવા માગે છે.

એક અહેવાલ મુજબ, નવી પ્રોડક્શન લાઇનમાં દર વર્ષે વધારાના 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે, જે સુઝુકી મોટર ગુજરાતનું વાર્ષિક ઉત્પાદન વર્તમાન 7.5 લાખ યુનિટથી વધારીને વાર્ષિક 10 લાખ યુનિટ કરશે.

વધુમાં, ગુજરાતમાં બીજા કાર પ્લાન્ટનું નિર્માણ સુઝુકી મોટર્સ માટે દર વર્ષે 10 લાખ યુનિટની વધારાની ઉત્પાદન ક્ષમતામાં પરિણમશે. આનાથી ગુજરાતમાં સુઝુકી મોટર્સની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ યુનિટની આસપાસ પહોંચી જશે.

સુઝુકી મોટર્સનું ગુજરાતમાં રોકાણ એ ભારતના સમૃદ્ધ ઓટો માર્કેટને ધ્યાનમાં રાખીને એક વ્યૂહાત્મક પગલું છે. કંપનીની પેટાકંપની, મારુતિ સુઝુકી, વેચાણની દ્રષ્ટિએ પહેલેથી જ ભારતમાં ટોચની કાર નિર્માતા છે.

ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ આજથી શરૂ થઈ છે અને તે 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે.

મહત્વનું છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધતા, અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે ગ્રુપ આગામી 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં $24 બિલિયનનું રોકાણ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ જણાવ્યું હતું કે રિલાયન્સ જૂથ ગુજરાતની વૃદ્ધિની વાર્તામાં અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.