અવકાશમાંથી પણ દેખાશે અદાણીનો નવો 'એનર્જી પાર્ક', ગુજરાતમાં ₹2 લાખ કરોડના રોકાણની જાહેરાત

અદાણીએ કહ્યું કે તેઓ ગુજરાતમાં એક વિશાળ ગ્રીન એનર્જી પાર્ક બનાવશે, જે અવકાશમાંથી પણ દેખાશે. તેમણે કહ્યું કે આ રોકાણથી રાજ્યમાં એક લાખ નોકરીઓનું સર્જન થશે.

Share:

હાઈલાઇટ્સ

  • અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુજરાતમાં રૂ. 2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુજરાતમાં રૂ. 2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી છે. અદાણીએ કહ્યું કે તેઓ ગુજરાતમાં એક વિશાળ ગ્રીન એનર્જી પાર્ક બનાવશે, જે અવકાશમાંથી પણ દેખાશે. બુધવાર, 10 જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'માં ભાગ લેતી વખતે અદાણીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ રોકાણથી રાજ્યમાં એક લાખ નોકરીઓનું સર્જન થશે.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી જૂથે ગયા વર્ષની સમિટ દરમિયાન રાજ્યમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું, જેમાંથી રૂ. 50,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, 'અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે.'

અદાણીએ કહ્યું, '2014 થી, ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP) 185 ટકા વધ્યું છે અને માથાદીઠ આવકમાં 165 ટકાનો વધારો થયો છે. તમામ ભૌગોલિક રાજકીય અને વૈશ્વિક રોગચાળા સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને આ પોતે જ અદ્ભુત છે.

અદાણીએ જણાવ્યું હતું કે, 'અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇનનો વિસ્તાર કરી રહ્યા છીએ અને સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. તેમાં સોલાર પેનલ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા, પીવીસી અને કોપર અને સિમેન્ટના ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 9 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શરૂ થઈ હતી. 10થી 12 જાન્યુઆરી સુધી ચાલનારી આ સમિટની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' રાખવામાં આવી છે. પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ 2003માં શરૂ થઈ હતી, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.