Ahmedabad: પોળમાં ઉત્તરાયણઃ ધાબાના ભાડા 25 ટકા સુધી વધ્યાં

અમદાવાદની પોળમાં ઉત્તરાયણ માટે લોકો ધાબા બૂક કરાવતા હોય છે. કેટલાંક લોકો તો વિદેશથી અહીં ખાસ ઉત્તરાયણ ઉજવવા માટે આવતા હોય છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાયપુર, ઢાળની પોળ અને ખાડિયાના ધાબા બૂક
  • લોકોએ એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધું છે
  • હાલ રુપિયા 25થી 75 હજાર સુધીના ભાડા ચાલી રહ્યા છે

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી પોળોમાં દર વર્ષે ઉત્તરાયણ માટે હજારો લોકો આવતા હોય છે. અહીં માત્ર ઉત્તરાયણ માટે ખાસ ધાબા બૂક કરાવતા હોય છે અને પતંગ ચગાવવાની મજા માણતા હોય છે. જેના માટે તેઓ ભાડા ચૂકવતા હોય છે. પણ આ વર્ષે હવે પોળોમાં ઉત્તરાયણ ઉજવવી મોંઘી સાબિત થઈ શકે છે, કારણ કે ધાબાના ભાડામાં 25 ટકા સુધીનો વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

બંને દિવસના ભાવ અલગ 
સ્થાનિકોના જણાવ્યા મુજબ, 14 અને 15 જાન્યુઆરીઓનો ભાવ અલગ અલગ હોય છે. આ દરમિયાન ધાબા ભાડા લેનારા લોકોને ચા-નાસ્તો અને જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ સ્પેશિયલ આ દિવસોમાં અહીં પતંગ ચગાવવા માટે આવતા હોય છે. રાયપુર, ખાડિયા અને ઢાળની પોળમાં આવેલા ધાબાની ડિમાન્ડ સૌથી વધારે હોય છે. એટલા માટે અહીં ભાડા વધારે હોય છે. 

75 હજાર સુધી ભાડા 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોળના ધાભાનો ભાવ રુપિયા 25થી માંડીને રુપિયા 75 હજાર સુધી ચાલી રહ્યો છે. હાલ પૂર્વ વિસ્તારમાં આવેલા ખાડિયા, રાયપુર, ઢાળની પોળ સહિતના કેટલાંક ધાબાઓના એડવાન્સમાં બુકિંગ થઈ ગયા છે. કોટ વિસ્તારમાં આવેલી આ પોળોમાં જમવા સાથે વ્યક્તિ દીઠ ભાડુ નક્કી કરાતુ હોય છે. 

બજારોમાં પણ ભારે ભીડ 
એવું પણ કહેવું છે કે, ઓછામાં ઓછા દસ લોકો જે ગ્રુપમાં હોય તેઓને આ ધાબા ભાડે અપાતા હોય છે. ત્યારે શ્યામની પોળ અને ઢાળની પોળમાં આવેલા ધાબાના ભાડા સૌધી વધારે છે. બીજી તરફ, ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે અને બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. પતંગ અને દોરીના ભાવમાં પણ વધારો થયો છે.