પતંગની એક જ દોરીમાં ફસાયા બે કબૂતર, નરોડા ઓઝોન સિટીના રહીશોએ રેસ્ક્યુ કરીને આપ્યું નવજીવન

ઉતરાયણ તો ગઈ પણ પતંગની દોરી હજુ પણ પક્ષીઓ માટે ઘાતક બની રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉતરાયણ ગયા પછી પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, આ દરમિયાન નરોડાની એક સોસાયટીમાં પતંગની દોરીમાં ફસાયેલા બે કબૂતરોનું રહીશોએ રેસ્ક્યુ કર્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • કંઇ પણ વિચાર્યા વિના ઓઝોન સિટીના રહીશોએ રેસ્ક્યુ કરવાનું નક્કી કર્યું
  • રેસ્ક્યું સરળ ન હોવાથી અડધા કલાકની જહેમત બાદ 2 કબૂતરને બચાવાયા

અમદાવાદ: ઉત્તરાયણ પૂર્ણ થયા પછી પણ અઠવાડિયાથી 10 દિવસ સુધી પતંગની દોરીના કારણે પક્ષીઓ અને વાહનચાલકો ઘાયલ થયાના અનેક બનાવો બને છે. દરમિયાન નરોડા સ્થિત ઓઝોન સિટીમાં બુધવારે સવારના સમયે પાંચમાં માળે ટેરેસ પર લાગેલા એક કેબલમાં પતંગની એક જ દોરીમાં બે કબૂતર ફસાઈ જતાં તડફડિયા મારવા લાગ્યા હતા. જો કે, સોસાયટીના કેટલાક રહીશોએ રેસ્ક્યુ કરવાનો નિર્ણય કર્યો અને લગભગ અડધા કલાકની જહેમત બાદ બંને કબૂતરને સુરક્ષિત બચાવીને નવજીવન આપ્યું હતું.

17 જાન્યુઆરીએ સવારે પાંચમાં માળે રહેતા એક પરિવારે આ દ્રશ્ય જોયું અને ચોંકી ગયા અને તેમણે સૌથી પહેલા જીવ દયા સંસ્થાને ફોન કર્યો હતો, પરંતુ તેમને આવવામાં સમય લાગતો હોય અને ત્યાં સુધી બંને કબૂતર નીચે પટકાઈને મોતને ન ભેટે તે માટે ઓઝોન સિટીના કેટલાક રહીશોએ બંને કબૂતરોને બચાવવાનો નિર્ણય કર્યો અને લાકડી તેમજ પાઈપ લઈને ટેરેસ પર ચડી ગયા.

સરળ નહોતું રેસ્ક્યું
ટેરેસ પર જઈને રહીશોએ જોયું તો ખબર પડી કે, બંને કબૂતર પતંગની એક જ દોરીમાં ફસાયેલા છે, એટલે રેસ્ક્યુ એટલું સરળ નહોતું. તેમ છતાં તેઓએ પાઈપથી રેસ્ક્યુ હાથ ધર્યું, જો કે, કબૂતર ડરી ગયા અને વધુ ફડફડિયા મારવા લાગતા રેસ્ક્યુ વધુ જટિલ બન્યું હતું. જેમ તેમ કરીને એક દોરીનો એક હિસ્સો પાઈપમાં ફસાતા ધીમે ધીમે ખેંચવાનો પ્રયાસ કર્યો, કારણ કે જો દોરી તૂટી જાત તો બંને પાંચમાં માળેથી નીચે પટકાઈ ગયા હોત. દોરીના એક હિસ્સામાં જે કબૂતર ફસાયું હતું તેને સૌથી પહેલા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને દોરી કાપીને બીજા કબૂતને રેસ્ક્યુ હાથ દરવામાં આવ્યું, કેબલની અંદર દોરી એવી રીતે ફસાઈ હતી કે રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. વારંવાર પ્રયાસ કરવાથી બીજા કબૂતરનું પણ રેસ્ક્યું કરી લેવામાં આખરે સફળતા મળી ગઈ.

ધ્યાનની જોયું તો એક કબૂતરના પંખમાં દોરી એવી રીતે ફસાઈ ગઈ હતી કે ખૂન નીકળવા લાગ્યું હતું. જેથી પહેલા બંને કબૂતરમાં ફસાયેલી પતંગની દોરી કાતરથી કટ કરીને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ બંને કબૂતરને આઝાદ કરવામાં આવ્યા હતા, પરંતુ પતંગની દોરીમાં ફસાવાને અને ઘણા સમયથી લટકતા હોવાથી તેઓ ઉડાન ભરી શકતા નહોતા. જેથી તેમણે આમ જ છોડવાનું ટાળીને ઘરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં થોડીવાર પછી જીવ દયા સંસ્થાના લોકો આવ્યા અને બંને કબૂતરને સારવારની જરૂર હોય સાથે લઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉત્તરાયણમાં પતંગની દોરીના કારણે અનેક લોકો અને પક્ષીઓના મોત થાય છે, જેમાં સૌથી વધુ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જવાબદાર છે. તેમ છતાં લોકો એવું નથી વિચારતા કે તેમની મજા અન્ય માટે સજા બની શકે છે.