Ahmedabad:કોર્પોરેશનની શાળાના શિક્ષકો પણ યુનિફોર્મમાં!

અધિકારીઓ કહે છે, આ વખતે ઘણાં જ ગહન અભ્યાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો બાળકો અને શિક્ષકો બંને યુનિફોર્મમાં હોય તો એક પ્રકારની શિસ્ત આવે છે અને વાતાવરણ પણ જળવાઈ રહે છે.

Courtesy: Internet

Share:

સામાન્ય રીતે ખાનગી શાળાઓમાં શિક્ષકોને અન્ય કર્મચારીઓથી જુદા તારવા માટે યુનિફોર્મ આપવામાં આવે છે અને તેને કોર્પોરેટ કલ્ચર કહેવામાં આવે છે પરંતુ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શાળાના શિક્ષક ભાઈ - બહેનોને પણ અલગ જ યુનિફોર્મ આપવામાં આવનારો છે જેની આ વખતેના અંદાજપત્રમાં રૂ 10 કરોડની જોગવાઈ કરવામા આવી છે. 

આ અંગે શાસનાધિકારી લગધીર દેસાઈએ સૈારાષ્ટ્રકચ્છ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, એ વાત સાચી છે અમે આ વખતે કોર્પોરેશનમાં શાળાના શિક્ષકોને યુનિફોર્મ આપવાના છીએ. ઘણાં જ ગહન અભ્યાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો બાળકો અને શિક્ષકો બંને યુનિફોર્મમાં હોય તો એક પ્રકારની શિસ્ત આવે છે અને વાતાવરણ પણ જળવાઈ રહે છે. 

કોઈ શિક્ષકની આર્થિક સ્થિતિ વધારે સારી હોય તો તે વધારે સારા અને મોંધા કપડાં પહેરીને આવે કોઈ થોડા સામાન્ય પહેરીને આવે અને આ મુદ્દા પછી ગોસીપનું કારણ બની જાય એના કરતાં એક સરખા કપડાંમાં જોઈ વિવાદ જ નહીં. જે બાળકોને એક સમાન રાખવા આપણે તેમને યુનિફોર્મ આપીએ છીએ તેમ શિક્ષકોને પણ યુનિફોર્મ હોય તો સારુ લાગે. 

આ ઉપરાંત એક અલગ જ ઓળખ ઉભી થાય. 

Ahmedabad Municipal Corporation
કોર્પોરેશનની શાળાઓના સાશનાધિકારી લગધીર દેસાઈ

જ્યારે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે કે નહીં તેમ પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આ વખતે કોર્પોરેશન તેના તમામ કર્મચારીઓને એક સરખો યુનિફોર્મ આપવાની છે. તો અમે પણ એવું જ કંઈક કરીશું. જો કે મહિલાઓને સાડી અને ભાઈઓને શર્ટ પેન્ટ જ રહેશે. યુનિફોર્મ કેવો રાખવો તે માટે એક કમિટી બનાવવામાં આવશે અને તે કમિટી બાદ બધાંનો અભિપ્રાય લેવામાં આવશે અને તેના આધારે નક્કી થશે કે યુનિફોર્મ કેવો હોવો જોઈએ. 

તદ્ઉપરાંત, આ વખતેના 1094 કરોડ રૂપિયાના બજેટમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ માટે પણ આરએફઆઈડી વાળા ઓળખ પત્રો તૈયાર કરવામાં આવનારા છે જેના માટે આશરે 25 લાખ રૂપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમ જ કન્યા કેળવણી માટે 2 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને શાળાઓમાં ફસ્ટ એઈડ કીટ માટે 1 કરોડની ફાળવણી થઈ છે.