વાઈબ્રન્ટ સમિટમાં PM મોદી-UAEના રાષ્ટ્રપતિ વચ્ચેની મિત્રતાની ખૂબ ચર્ચા થઈ.. વાંચો વિગતો

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ વચ્ચે નિકટતા જોવા મળી હતી. UAEના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રોકાણને લગતા ઘણા મુદ્દાઓ પર સહમતિ બની હતી.

Share:

હાઈલાઇટ્સ

  • 10મી વાઇબ્રેટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ફરી PM મોદીનો ડંકો વાગ્યો
  • UAE પ્રમુખ સાથેના સંબંધોમાં તેમની નિકટતા અને ઉષ્મા દેખાતી હતી

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચેની મજબૂત મિત્રતા જોવા મળી. વાઈબ્રન્ટ સમિટ પહેલા અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીએ પોતે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી બંને નેતાઓએ રોડ શો પણ કર્યો હતો. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમને 'ભાઈ' કહીને સંબોધ્યા હતા, ત્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમ મોદી સાથેની મિત્રતામાં સમિટને સંબોધિત કરી હતી. જણાવી દઈએ કે, સામાન્ય રીતે UAEના રાષ્ટ્રપતિ જાહેર મંચોમાં બહુ ઓછું બોલે છે. તેઓ અગાઉ ઘણી મોટી સમિટને સંબોધવાનું ટાળતા આવ્યા છે. જો કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સમિટમાં બ્રેક દરમિયાન બંનેની મિત્રતાની ઘણી ચર્ચા થઈ હતી.

સમિટને સંબોધિત કર્યા પછી, યુએઈના રાષ્ટ્રપતિ શેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, આજે મેં વિશ્વભરના નેતાઓ અને અધિકારીઓ સાથે ભારતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લીધો હતો. UAE વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને બધા માટે સ્થિરતા અને સમૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરવા માટે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટે સહકારના સેતુ બનાવવાની શક્તિમાં મજબૂતપણે વિશ્વાસ રાખે છે. જણાવી દઈએ કે, UAEના પ્રમુખ શેખ મોહમ્મદ 9 જાન્યુઆરીની સાંજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે અમદાવાદ પહોંચ્યા હતા. સમિટના ઉદ્ઘાટન અને સંબોધન બાદ તેઓ બુધવારે બપોરે યુએઈ જવા રવાના થયા હતા

એવું નથી કે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2022માં UAEની મુલાકાતે ગયા ત્યારે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદે પ્રોટોકોલ તોડીને અબુ ધાબી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી તેમના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં છ વખત યુએઈની મુલાકાત લઈ ચૂક્યા છે. સંયુક્ત આરબ અમીરાતે પીએમ નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કર્યા છે.

મહત્વનું છે કે, શેખ મોહમ્મદ 2017માં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેઓ સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ હતા અને ભારત સરકારે તેમને ગણતંત્ર દિવસની ઉજવણીના ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું હતું. ત્યારથી UAE અને ભારત વચ્ચેના સંબંધોમાં ઉષ્મા વધી છે. આ પછી PM મોદીએ UAEની મુલાકાત પણ લીધી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ UAE જશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી અબુ ધાબીમાં 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ અબુ ધાબીના ઝાયેદ સ્ટેડિયમમાં જનસભાને સંબોધશે. એક રિપોર્ટ અનુસાર 'હાઉડી મોદી' જેવા આ કાર્યક્રમનું નામ 'અહલાન મોદી' રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.