Hit & Run: નવા કાયદા સામે વિરોધ: અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની અછત, જરૂરી ચીજ વસ્તુઓ થઈ મોંઘી!

હિટ એન્ડ રન કેસમાં કાયદાની નવી જોગવાઈઓના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરોએ વાહન ચલાવવાની ના પાડી દીધી છે. પરિણામે અનેક જગ્યાએ ટ્રકો સહિતના ભારે વાહનોના પેંડા થંભી ગયા છે. ગુજરાત, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની અછતના અહેવાલ છે.

Share:

હાઈલાઇટ્સ

  • નવા કાયદાના વિરોધમાં ગુજરાત સહિતના રાજ્યોમાં ડ્રાઈવરોનો વિરોધ
  • સુરતમાં બસના ડ્રાઈવર પણ વિરોધમાં જોડાતા કોર્પોરેશને નોટિસ આપી

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હિટ એન્ડ રનના નવા કાયદા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડ્રાઈવરો દ્વારા વિરોધનો આજે ચોથો દિવસ છે. ટ્રક અને બસના પેંડા થંભી જતાં ટ્રાન્સપોર્ટેશનને મોટો ઝટકો લાગ્યો છે. જેના કારણે જરૂરી ચીજ વસ્તુઓ એકથી બીજી જગ્યાએ નથી પહોંચી રહી. પરિણામે શાકભાજી અને ફળો સહિતની વસ્તુઓ ધીમે-ધીમે મોંઘી થવા લાગી છે. એટલું જ નહીં, હડતાળને કારણે પેટ્રોલ અને ડીઝલની પણ અછત સર્જાઈ હોવાના અહેવાલ મળ્યા છે. જેથી પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 10 રાજ્યોમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાળ યથાવત છે.

સોમવારે સુરત શહેરમાં ચાલકોની હડતાળને કારણે BRTS સહિતની સિટી બસ સેવાને અસર થઈ હતી. સિટી બસ ડ્રાઇવરો હિટ એન્ડ રન કેસ માટે સૂચિત કડક કાયદા સામે દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા. સવારથી, કુલ 617 માંથી 60%થી વધુ રૂટ પરની બસો બિન કાર્યરત હતી. જ્યારે કામ ચાલુ રાખનાર વાહન ચાલકોને દેખાવકારો દ્વારા રોકવાની ફરજ પડી હતી. એસએમસીએ બસ એજન્સીઓને શો-કોઝ નોટિસ જારી કરીને બસો ચાલુ ન કરવા માટેના કારણો રજૂ કરવા જણાવ્યું છે.

ટ્રક ચાલકોએ ટાયરો સળગાવ્યા
જણાવી દઈએ કે, હિટ એન્ડ રનના નવા કાયદા સામે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ડ્રાઈવરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સોમવારે બાલાસિનોર, સેવાલિયા, કપડવંજ અને કઠલાલ સહિતના સ્થળોએ ટ્રકચાલકોએ ટાયરો સળગાવી ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો.

શું છે હિટ એન્ડ રનનો નવો કાયદો?
ભારતીય ન્યાયિક સંહિતાની જોગવાઈ સામે ટ્રક અને બસ ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. આ અંતર્ગત બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે ગંભીર માર્ગ અકસ્માત સર્જનાર અને પોલીસ કે વહીવટી તંત્રના કોઈ અધિકારીને જાણ કર્યા વિના સ્થળ પરથી ભાગી જનારા ડ્રાઈવરો માટે 10 વર્ષ સુધીની જેલ અથવા 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે

હડતાળથી દૂધ મંડળીઓ પરેશાન
વિશ્વ વિખ્યાત અમુલ ડેરીમાં દૂધ કલેક્શન માટે આવતા દૂધના ટેન્કરના ચાલકો ટેન્કરને પોતાાના ચિલિંગ સેન્ટરમાં મૂકી વિરોધમાં જોડાઈ જતાં દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓ પરેશાન જોવા મળી રહી છે. હાલમાં મંડળીમાં દૂધનો ભરાવો થતાં દૂધ ખરીદી બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. જેની સીધી અસર દૂધ ઉત્પાદન કરતા ખેડૂતો ઉપર પડી શકે છે. આ સાથે જ આવશ્યક જરૂરિયાત માટે પણ પૂરવઠો અને તેનું નિયમન ખોરવાઈ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ પ્રશ્નનો કોઈ સુખદ ઉકેલ કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.

જણાવી દઈએ કે, આજે હડતાળનો ચોથો દિવસ છે. સોમવારે છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, યુપી અને પંજાબમાં ટ્રાફિક જામ હતો જ્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં 900 બસો દોડી ન હતી. ઉપરોક્ત રાજ્યોમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. તો કેટલીક જગ્યાએ પોલીસે ભીડને કાબૂ કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હોવાના પણ અહેવાલ મળ્યા છે.