"મે લોજીક સાથે બતાવ્યુ છે કે ઈવીએમમાં ગરબડ છે"

ગુજરાતના એક પટેલ સામાજિક કાર્યકર ઈલેક્ટ્રીક વોટિંગ મશીનને લઈને જંગે ચઢ્યા છે. અલગ અલગ પક્ષોને મળે છે અને લોજિક સાથે બતાવે છે કે ઈવીએમમાં ગરબડ થાય છે.

Courtesy: Atul Patel

Share:

હાઈલાઇટ્સ

  • "ઈન્ડી એલાયન્સમાં પણ મારો અવાજ પહોંચ્યો અને હવે તેમણે પણ આ બાબતે બોલવાનું શરૂ કર્યુ. હવે આ મુદ્દો મોટો થઈ રહ્યો છે. મને સંતોષ છે કે લોકો સુધી વાસ્તવિકતા પહોંચે છે અને એ જ મારો હેતુ છે."

વર્ષ 2015 અને ત્યાર બાદ પટેલ સમાજ દ્વારા અનામતને લઈને જે આંદોલનો થયા તેના અનેક સારા અને માઠા પરિણામો આવ્યા. તે 
વખતે જે કહેવાતા નેતા હતા તેમણે વખત જતાં પોતાની લાઈનો બદલીને મુખ્ય કે સત્તાધારી પક્ષ સાથે ભળી ગયા પરંતુ કેટલાક એવા પણ છે જેમણે આ જનજાગ્રૃતિની લડતને પોતાનો એક માત્ર ધ્યેય બનાવી દીધો છે. એ પૈકીના એક છે અતુલ પટેલ જેઓ છેલ્લા ઘણા સમયથી 
Electronic Voting Machine - EVM પર સવાલ કરી રહ્યાં છે. આમ તો આમ આદમી પાર્ટી (AAP) પણ અનેકવાર
આ બાબતે પ્રશ્નો ઉઠાવી ચૂકી છે પરંતુ સમયજતાં પક્ષ ઠંડો પડી ગયો અને તેમ જ રીતે કોંગ્રેસમાં પણ આ પ્રશ્નો ચર્ચાયા અને માળીયે
મુકાઈ ગયા પણ અતુલ પટેલે હજુ કેડી છોડી નથી. આજે સૈારાષ્ટ્રકચ્છની ટીમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે અનેક બાબતો પર
પ્રકાશ પાડ્યો. તેમની સાથે થયેલા સંવાદોને અહીંયા રજૂ કરીએ છીએ. એક સમાચાર માધ્યમ તરીકે અમે તટસ્થ રહીને જે છે તે દર્શાવાનો
પ્રયાસ કરીએ છીએ અને કરીશુ માટે જ આ અહેવાલ કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર અતુલ પટેલ સાથે વાત થઈ તેમ જ રજૂ કર્યો છે. 

શું આપ હમણાં દિલ્હી જઈ આવ્યા?
હાં, હું 13 જાન્યુઆરીએ દિલ્હીમાં હતો અને ત્યાં ઘણાં લોકોને મળ્યો. હું ગયા મહિને માત્ર 3 થી 4 જ દિવસ ગુજરાતમાં રહ્યો છું બાકીનો સમય
મેં દિલ્હીમાં પસાર કર્યો છે. 

દિલ્હી જવાનું કોઈ ખાસ કારણ?
હાં, હુ દિલ્હી ઈવીએમ મશિનમાં થઈ રહેલી ગરબડ બતાવવા માટે ગયો હતો અને ત્યાં અનેક લોકોને મળ્યો. કેટલાક યુટ્યુબર્સ પણ ત્યાં હાજર હતાં અને
તેઓ પણ મને મળ્યા. 

અત્યાર સુધી કોને કોને મળ્યાં છો?
અત્યાર સુધી હું કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, દિગ્વિજય સિંહ, ઉદિત રાજ કે જેઓ ભાજપમાં હતા અને પછી કોંગ્રેસમાં જોડાયા તેમને મળ્યો.

ઈવીએમ પર અનેક લોકો સવાલ કરી ચૂક્યાં છે તો તમે નવું શું કર્યું?
હાં એ વાત સાચી છે કે ઈવીએમ પર અનેક લોકો વાત કરી ચૂક્યા છે. પરંતુ અમે જે રીતે પુરાવો આપીએ છીએ એવું હજુ સુધી નથી થયા એટલે જ તો 
નેતાઓને મારી વાતમાં રસ પડે છે. એવું કહીં શકાય કે લોકોને લોજીકની ખબર નહોતી. હવે ખબર પડી એટલે માંગ વધવા લાગી. 

તમારી આ જન લડતતથી શું અસર પડી અત્યાર સુધીમાં?
ઈમ્પેક્ટની વાત કરું તો હું એવુ કહીં શકુ કે મારો ડેમો જોઈને જાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભુષણે તેમના ટ્ટવીર એકાઉન્ટ પર ટ્વીટ કરી. જેના હટાવવા માટે
તેમને નોટિસ પણ મળી. 

વધુ શું?
ઈન્ડી એલાયન્સમાં પણ મારો અવાજ પહોંચ્યો અને હવે તેમણે પણ આ બાબતે બોલવાનું શરૂ કર્યુ. હવે આ મુદ્દો મોટો થઈ રહ્યો છે. મને સંતોષ છે કે
લોકો સુધી વાસ્તવિકતા પહોંચે છે અને એ જ મારો હેતુ છે. 

દિલ્હી સિવાય અન્ય કોઈ જગ્યાએ ગયા?
હાં. ગયા મહિને હું ઉત્તર પ્રદેશમાં હતો ત્યાં લખનૈામાં અખિલેશ યાદવને મળ્યો અને તેમને આ બાબતે વાત કરી. તેમણે 2500 જેટલા કાર્યકર્તાઓ સામે 
ઈવીએમ મશિનનો ડેમો બતાવ્યો અને લોકોને જાગૃત કરવા માટે નેમ લીધી. 

તમે અવાર-નવાર દિલ્હી જાવ છો, તમને કોઈ ક્યારેય રોક્યાં?
ના. મને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કનડગત થઈ નથી. મને કોઈએ રોક્યો પણ નથી. 

તમે શું ઈચ્છો છો?
હુ ઈચ્છુ છું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ નહીં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે જેથી ચૂંટણી તટસ્થ થાય.

એવું કઈ રીતે કહીં શકો કે ચૂંટણી તટસ્થ થશે?
જુઓ ભારતમાં આટલા વર્ષો સુધી ચૂંટણી બેલેટ પેપરથી થઈ છે અને તેમાં કોઈ પ્રશ્નો ઉપસ્થિત થયા નથી તો પછી હવે કેવી રીતે થવાના? પરિણામ આવવામાં
મોડુ થાય પણ જે આવે તે તટસ્થ થાય અને લોકહિતમાં થાય. 

બેલેટ પેપર જ કેમ?
દુનિયાના અનેક વિકસિત દેશો જેવા કે જાપાન, જર્મની, ફ્રાંસ અને બાંગ્લાદેશ પણ બેલેટ પેપરથી ચૂંટણી કરે છે અને તે યોગ્ય છે. જ્યારે ઈવીએમ ઘણું જ
સમય લેનારું અને ખર્ચાળ છે. આ ઉપરાંત તેને ઓપરેટ કરવા માટે સ્ટાફને ટ્રેન કરવો પડે છે. તેના કરતાં બેલેટ સારા. લોકો પાસે વોટિંગનો પુરાવો પણ 
રહે છે. વધુમાં બેલેટના પેપર સામાન્ય નથી. જે કાગળનો તેમા વપરાશ થાય છે તેનું ઉત્પાદન માત્ર સરકાર જ કરી શકે છે એટલે તેમાં ઘાલ-મેલ થવાની 
શક્યતાઓ ઓછી છે. 

તમારા હોદ્દામાં શું લખું? પાસના કન્વીનર એવું લખું?
પાસ હવે રહ્યું જ નથી એટલે સામાજિક આંદોલનકારી લખો તો સારુ. આમ તો તેનાથી કંઈ ફરક નથી પડતો પણ સામાજિક કાર્યકર લખવું વધારે યોગ્ય
રહેશે. 

(સૈારાષ્ટકચ્છના હેમીંગ્ટન જેમ્સ સાથે થયેલા સંવાદોમાંથી)