Navasari: US જઈ રહેલા વૃદ્ધ દંપતીને બ્રિટિશ એરલાઈને લંડનથી પરત ગુજરાત કેમ મોકલી દીધા?

નવસારીના એક દંપતીએ અમેરિકા જવા માટે બ્રિટિશ એરવેઝની ટિકિટ બૂક કરાવી, પરંતુ લંડન પહોંચ્યા પછી તેમને કહેવામાં આવ્યું કે,USના વિઝા રદ થઈ ગયા છે. તેથી તેમણે ભારત પરત જવું પડશે.

Share:

હાઈલાઇટ્સ

  • દંપતી પાસે 27 ડિસેમ્બર 2012થી 25 ડિસેમ્બર 2022 સુધીના વેલિડ વિઝા હતા
  • લંડન પહોંચ્યા ત્યારે એરલાઈને જાણ કરી કે તેમના યુએસ વિઝા રદ કરી દેવાયા છે

નવસારી કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (CDRC)એ બ્રિટિશ એરલાઈન્સને 2.93 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે, જેણે નવસારીના એક વૃદ્ધ દંપતીને યુએસના વિઝા માન્ય નથી તેમ કહીને લંડનથી પરત ગુજરાત મોકલી દીધા હતા. CDRCએ અવલોકન કર્યું હતું કે પ્રવાસની મંજૂરી આપતી વખતે વૃદ્ધ દંપતી પાસે માન્ય વિઝા છે કે નહીં તે તપાસવું એરલાઇન્સની ફરજ છે. CDRCએ બ્રિટિશ એરવેઝને 74 વર્ષીય હસમુખ મહેતાને રૂ. 2.93 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેમને ડિસેમ્બર 2021માં યુએસ વિઝા રદ કરવામાં આવ્યા બાદ તેમની પત્ની સાથે લંડનથી પાછા મોકલવામાં આવ્યા હતા.

ગુરુવારના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ન્યૂઝ પેપરમાં છપાયેલા અહેવાલ અનુસાર હસમુખ મહેતા અને તેમની પત્ની પાસે 27 ડિસેમ્બર, 2012થી 25 ડિસેમ્બર, 2022 સુધીના 10 વર્ષના સમયગાળા માટે માન્ય યુએસ વિઝિટર વિઝા હતા. 2012 અને 2018 વચ્ચે દંપતી ત્રણ વખત યુએસ ગયું હતું..

ડિસેમ્બર 2021માં, તેમના પુત્ર સાહિલ મહેતાએ ભારતમાં બ્રિટિશ એરવેઝ સાથે યુએસની ટિકિટ બુક કરાવી હતી. કપલ 15 ડિસેમ્બર, 2021ના રોજ મુંબઈથી લંડન થઈને એટલાન્ટા જવાના હતા. દંપતીને 14 ડિસેમ્બર, 2021ના રોજ મુંબઈ-લંડન ફ્લાઈટ માટે લંડન જવાનો બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો હતો. જ્યારે મહેતાએ એટલાન્ટાની કનેક્ટિંગ ફ્લાઈટ માટે બોર્ડિંગ પાસ માંગ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તે લંડન એરપોર્ટ પરથી લઈ લે કારણ કે સિસ્ટમમાં એરર છે.

10 કલાકની ફ્લાઇટ પછી, દંપતી લંડનના હીથ્રો (Heathrow) એરપોર્ટ પર પહોંચ્યા જ્યાં મહેતાને કહેવામાં આવ્યું કે તેમના યુએસ વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને ભારત પાછા જવાની જરૂર છે. જેથી તેઓ લંડનથી એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટમાં ચઢ્યા હતા. જ્યારે તેઓ દિલ્હીમાં ઉતર્યા. ત્યાં કોવિડ-સંબંધિત ઔપચારિકતાઓને લીધે, તેઓ મુંબઈની તેમની ફ્લાઇટ ચૂકી ગયા હતા. અંતે તેઓએ દિલ્હી-સુરત ફ્લાઇટ લીધી. આમ વૃદ્ધ દંપતી લંડનથી 58 કલાક બાદ તેમના નવસારી ઘરે પહોંચ્યું હતું.

આટલી હેરાનગતિથી કંટાળીને હસમુખ મહેતાએ ત્યારબાદ નવસારી CDRCનો સંપર્ક કર્યો અને બ્રિટિશ એરવેઝ પાસેથી મુંબઈથી એટલાન્ટા સુધીના રૂ. 1.3 લાખ ટિકિટ ભાડા, રૂ. 25,000 દિલ્હી-સુરત ટિકિટ અને રૂ. 13,500 સામાનની ફીના રિફંડની માંગણી કરી હતી. મહેતાએ માનસિક અને શારીરિક સતામણી માટે 50 લાખ રૂપિયાનું વળતર પણ માંગ્યું હતું. સુનાવણી દરમિયાન, બ્રિટિશ એરવેઝના એડવોકેટે દલીલ કરી હતી કે મહેતાના વિઝા યુએસ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા રદ કરવામાં આવ્યા હતા કારણ કે દંપતી ભૂતકાળમાં વધુ સમય માટે રોકાયા હતા.

એડવોકેટ વધુમાં ઉમેર્યું કે, 15 ડિસેમ્બર, 2021ના રોજ સવારે 9.28 વાગ્યે એરલાઇનને તેની મુંબઈ લંડન ફ્લાઇટ ઉપડ્યા પછી જાણ કરવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે મહેતા જાણતા હતા કે તેમના વિઝા માન્ય નથી. ફરિયાદીએ વળતર માટે એરલાઇનને નહીં પણ યુએસએ ઓથોરિટીને પૂછવું જોઈએ.

બીજી તરફ મહેતા વતી તેમના વકીલે દલીલ કરી હતી કે જ્યારે દંપતીએ ટિકિટ માટે અરજી કરી ત્યારે તેમની પાસે માન્ય વિઝા હતા. અમેરિકી સરકાર તરફથી તેમના વિઝા રદ કરવા અંગે કોઈ ઈમેલ કે મેસેજ નથી. તેમણે રજૂઆત કરી હતી કે બ્રિટિશ એરવેઝે લંડનનો બોર્ડિંગ પાસ આપતા પહેલા મુસાફરો પાસે માન્ય વિઝા છે કે નહીં તે તપાસવું જોઈએ.

બંને પક્ષકારોને સાંભળ્યા પછી, કમિશને અવલોકન કર્યું, કારણ કે એરલાઇનને લંડન માટે ફ્લાઇટ રવાના થયા પછી 15 ડિસેમ્બર, 2021ના રોજ સવારે 9.28 વાગ્યે વિઝા રદ કરવાનો મેસેજ મળ્યો, તે સ્પષ્ટ છે કે એરલાઇને પેસેન્જરો પાસે માન્ય વિઝા છે કે નહીં તેની તપાસ કરી નથી.

કોર્ટે ઉમેર્યું હતું કે એરલાઈન્સ દ્વારા એવો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો કે મહેતા તેમના અથવા તેમની પત્નીના વિઝા રદ કરવા વિશે જાણતા હતા. વિઝાની માન્યતા તપાસવાની અને દંપતીને આગળ મુસાફરી કરવાની મંજૂરી આપવાની જવાબદારી એરલાઇનની હતી. જોકે, એરલાઈને લંડન સુધીનો બોર્ડિંગ પાસ જારી કર્યો હતો અને પેસેન્જરને ત્યાંથી વધુ પાસ લેવા જણાવ્યું હતું, અને લંડનથી તેમને 58 કલાકની હેરાનગતિ બાદ પરત મોકલવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે એરલાઈને યોગ્ય ચકાસણી વિના તેમને લંડન સુધીની મંજૂરી આપી હતી જે તેમની સંપૂર્ણ બેદરકારી સાબિત કરે છે અને તેમને વળતર ચૂકવવા માટે જવાબદાર બનાવે છે.

અંતે નવસારી CDRCએ ટિકિટ માટે રૂ. 1,68 લાખ, દંપતીને માનસિક અને શારીરિક સતામણી માટે રૂ. 1 લાખ અને કાનૂની ખર્ચ માટે રૂ. 25,000 સહિત કુલ રૂ. 2.93 લાખના વળતરનો આદેશ આપ્યો હતો.