ઉત્તરાયણની મજા બની સજા: ગુજરાતમાં 59 લોકો ઘાયલ, 9 ધાબેથી પટકાયા, 3ના મોત

ગુજરાતભરમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવી પરંતુ કેટલીક જગ્યાએ આનંદની કીલકારીઓ મોતની ચિચયારીઓમાં ફેરવાઈ ગઈ.

Share:

હાઈલાઇટ્સ

  • દાહોદમાં કેબલમાં ફસાયેલો પતંગ કાઢવા જતાં બાળકનું કરંટ લાગતા મોત
  • બાઈક પર આગળ બેસેલું બાળક પતંગની દોરીથી ગળું કપાતા મૃત્યુ પામ્યો

ઉત્તરાયણ 15 જાન્યુઆરીએ હોવા છતાં રવિવારની રજા હોવાથી 14 જાન્યુઆરી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આ દિવસે લોકો ડીજેના તાલ પર પતંગ ચગાવીને મજા માણતા હોય છે, પરંતુ આ મજા કેટલાક લોકો માટે સજા બની જાય છે. એટલું જ નહીં, પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનો પણ ખૂબ જ ઉપયોગ થયો, જેના કારણે આકાશમાં ઉડતાં પક્ષીઓથી લઈને વાહન ચલાવનારા તેમજ ટેરેસ પર પતંગ ચગાવનારા લોકો ભોગ બને છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારના દિવસે પણ અમદાવાદ સહિત અનેક શહેરોમાં પતંગની દોરીથી કુલ 66 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વડોદરા શહેરમાં સવારથી સાંજ સુધીમાં દોરીથી 10 વ્યક્તિ અને 140 પક્ષીઓ ઘવાયા હતા. આ ઉપરાંત 20 વર્ષીય યુવકનું દોરીથી ગળુ કપાતા મોત નીપજ્યું હતું. તો 14 અબોલ પક્ષીને બચાવવામાં નિષ્ફળતા મળી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ઈમરજન્સીના 49 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં 37 લોકોને પતંગની દોરીના કારણે સામાન્ય ઈજા પહોંચી હતી તો 9 જેટલા લોકો ધાબા પરથી નીચે પટકાયા હતા.

દાહોદમાં કરંટ લાગતા બાળકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના કથોલિયા ગામે 10 વર્ષનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવી રહ્યો હતો ત્યારે જ અચાનક જ પતંગ વીજ કેબલમાં ફસાઈ ગયો અને કરંટ લાગતા બાળક ત્યાં જ ઢળી પડ્યો. પરિવારજનો બાળકને લઈને તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા, પરંતુ ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

વડોદરામાં યુવકનું ગળું કપાતા મોત
વડોદરા શહેરમાં બાઇક પર પસાર થતા 20 વર્ષીય યુવકના ગળામાં ચાઇનીઝ દોરી આવતા ગળું કપાઈ ગયું હતું. જેને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ યુવકનું નામ અંકિત વસાવા હોવાનું સામે આવ્યું છે.

મહીસાગરમાં બાળકનું ગળું કપાયું
બીજો બનાવ પણ આવો જ છે. અહીં રવિવારે ઉત્તરાયણ નિમિત્તે ચાર વર્ષનો તરુણ માછી તેના પિતા સાથે બાઇક પર ક્યાંક જઇ રહ્યો હતો. ત્યારબાદ બોરાડી ગામ પાસે ચાઈનીઝ માંજા દ્વારા તેનું ગળું કાપી નાખ્યું હતું. આ કિસ્સામાં બાળક બાઇકની આગળ બેઠો હતો. બાળકની ગરદન કપાતાની સાથે જ તેના પિતાએ બાઇક રોકી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ બાળકનું મોત થઈ ગયું હતું.