Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતમાં યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા 14 MoU

21 મી સદીમાં ઉદ્યોગો સામેનો સૌથી મોટો પડકાર સ્કિલ્ડ મેનપાવરનો

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • ભારતના ઉદ્યોગો સામે વૈશ્વિક હરિફાઈમાં ટકી રહેવું તે એક પડકાર
  • ગુજરાતે ઉદ્યોગોને સ્કીલ્ડ મેનપાવર પૂરો પાડવા માટે શૈક્ષણિક અને તાલીમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું
  • ભારત એ યુવા દેશ છે. 21 મી સદી એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે કૌશલ્યની રહેશે

આજે વાયબ્રન્ટ સમિટનાં બીજા દિવસે બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર: ડેવલપમેન્ટ ઓફ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ 4.0 વિષયક સેમિનારમાં ભવિષ્ય માટે તૈયાર કરાયેલા કાર્યબળ- મેન પાવરને પોષવા માટેની વ્યુહ રચના અને ડિજિટલ પરિવર્તન યુગમાં ઉદ્યોગોની માંગને પૂરી કરવા માટે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રવર્તી રહેલી ઔદ્યોગિક શાંતિ- સલામતીના કારણે ઔદ્યોગિક મૂડી રોકાણકારો માટે ગુજરાત ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. આ ઉદ્યોગોને વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા સમયની સાથે ટેકનોલોજિકલી અપડેટેડ રહેવું જરૂરી છે. ગુજરાત રાજ્યે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્કિલ મેનપાવર તૈયાર કરવા મિશન મોડ પર કામ શરૂ કરી દીધું છે. 

ભવિષ્ય માટે કાર્યબળનું નિર્માણ કરવા માટે MoU
આ સેમિનાર અંતર્ગત  માઇક્રોન, આર્સેલર મિત્તલ,એલ એન્ડ ટી એજ્યુ ટેક., આઇબીએમ ઇન્ડિયા પ્રા. લિ,કવેસ પાક, ન્યુ એજ એજ્યુકેશન એન્ડ સ્કિલ ફાઉન્ડેશન, બોશ ઈન્ડિયા ફાઉન્ડેશન, થન્ડરબર્ડ, સ્કિલમેન એજ્યુકેશન, નેમસોલ યુનિવર્સિટી, દક્ષિણ કોરિયા, ઈસીએ ઓસ્ટ્રેલિયા, ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રીયલ, એનએસડીસી ઇન્ટરનેશનલ લિ. અને શાલ્બી એકેડમી, શાલ્બી લિમિટેડ યુનિટ અને ગુજરાત સરકાર તરફથી કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે રાજ્યના ઉદ્યોગોને ઈન્ડસ્ટ્રીઝ  4.0 માટે કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવા અને રોજગાર ક્ષમતામાં વધારો કરવા કુલ ૧૪ સમજૂતિ કરારો કરવામાં આવ્યા હતા.

21 મી સદીમાં ઉદ્યોગો સામેનો સૌથી મોટો પડકાર સ્કિલ્ડ મેનપાવરનો છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક ટેકનોલોજી, ઓટોમેશન અને ડેટા એનાલીટીક્સ જેવી ઉભરતી ટેકનોલોજી સાથે સ્કીલ્ડ મેનપાવરને તૈયાર કરવો તે સમયની માંગ છે. ભારતના ઉદ્યોગો સામે વૈશ્વિક હરિફાઈમાં  ટકી રહેવું તે એક પડકાર છે. તેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટનો વિકાસ થાય તે દિશામાં એક પછી એક અનેક પરિણામલક્ષી પગલાં લીધા છે. 

આજે યોજાયેલા સેમિનારમાં કેન્દ્રીય શ્રમ અને ઉદ્યોગ સાહિસકતા મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત જે આજે વિચારે છે, તેનું દેશ આવતીકાલે અનુકરણ કરે છે. દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે. ત્યારે ગુજરાતે ઉદ્યોગોને સ્કીલ્ડ મેનપાવર પૂરો પાડવા માટે શૈક્ષણિક અને તાલીમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યુવાનોના સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના પરિણામ સ્વરૂપે આજે દેશમાં એક લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાં ૧૦૦થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે.

પ્રધાને જણાવ્યું હતું કે, આજે ભારતની 65 ટકા વસતીની વય 35 વર્ષ કે તેનાથી ઓછી છે. આ રીતે ભારત એ યુવા દેશ છે. 21 મી સદી એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે કૌશલ્યની રહેશે. તેથી દેશના યુવાઓને ઇન્ડસ્ટ્રીઝ 4.0 માટે "સ્કીલ ઈનેબલ્ડ" કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યના શ્રમ-રોજગાર અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સમયની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાતોમાં બદલાવ આવતો હોય છે. આવનારા સમયની ઔદ્યોગિક ક્રાંતિ ને અનુરૂપ મેનપાવર તૈયાર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2009 માં કૌશલ્ય વિકાસ મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશમાં સૌપ્રથમ કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટી શરૂ કરનાર ગુજરાત પ્રથમ 
રાજ્ય છે. રાજ્ય સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીને અનુરૂપ મેનપાવર તૈયાર કરવા ITI સંસ્થાઓને સક્ષમ બનાવી છે. 

આ પ્રસંગે માઈક્રોન સેમિકન્ડક્ટરના વાઈસ પ્રેસિડેન્ટ હેમ તકિયારે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝ 4.0 નો યુગ એ ડેટાનો યુગ છે. 21 મી સદીમાં ડેટાની જાળવણી મહત્વની બાબત રહેશે. ત્યારે આજના ડિજિટલ યુગની જરૂરિયાતને પહોંચી વળવા આપણે શ્રમિકો તૈયાર કરવાની દિશામાં મિશન મોડ પર કાર્ય કરવું પડશે. ટેક્નિકલ સત્રમાં ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારી, રાજ્યના ટેક્નિકલ શિક્ષણ કમિશનર  બંછાનિધિ પાની, ઈન્ડો-જર્મન ચેમ્બર ઓફ કોમર્સના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ડીઈ ઈન્ટરનેશનલ સર્વિસીસના વડા  યુતે બ્રુકમેન અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફોર્મેશન (INCIT)ના સ્થાપક અને સીઇઓ  રાયમંડ ક્લેઇને ભાગ લીધો હતો. 

ટેક્નિકલ સત્રમાં ટેક્નિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી 4.0 આજે તમામ ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યું છે, પછી તે હાર્ડવેર હોય, સોફ્ટવેર હોય કે પછી સેવાનું કોઈપણ ક્ષેત્ર હોય. કૌશલ્ય નિર્માણનું ક્ષેત્ર માટે એ ખૂબ મહત્વપૂર્ણ છે કે જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી 4.0 ને અનુકૂળ બને. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ શ્રી અતુલ કુમાર તિવારી એ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું  કે ઇન્ડસ્ટ્રી 4.0, ઇન્ડસ્ટ્રી ડિસરપ્શન અને નવી નોકરીઓના નિર્માણમાં યોગદાન આપશે. તેમણે કહ્યું કે જે રીતે આજે ટેક્નોલોજીમાં બદલાવ આવી રહ્યો છે, તે જોતા 
આપણે ઇન્ડસ્ટ્રી 4.0ને ડેમોગ્રાફિક, ડિમાન્ડ અને ડિસાઇઝિવ ગવર્મેન્ટ સાથે સાંકળવાની જરૂર છે. તેમણે એમ પણ જણાવ્યું કે આજે ડિજિટલ યુગ છે અને તેથી જ ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ મોબાઇલ એપ વિશે પણ વાત કરી હતી. તેમણે તમામ કૌશલ્ય પ્રશિક્ષકો અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રના હિતધારકોને આ ક્ષેત્ર અંગે પોતાના આઇડિયા શેર કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગનાં રાજ્ય મંત્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ,  શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસનાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર બંછાનિધિ પાની, રોજગાર અને તાલીમ વિભાગનાં નિયામક  ગાર્ગી જૈન,  સહિત અન્ય ઉધોગપતિઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા.

Tags :