Vibrant Gujarat Summit 2024માં આકર્ષણનું કેન્દ્ર બન્યો 'ગ્લોબલ ટ્રેડ શો'

ટ્રેડ શોમાં 11 અને 12 જાન્યુઆરી, 2024 માટે સુનિશ્ચિત આ મીટ વિવિધ શ્રેણીઓમાંથી 100થી વધુ દેશોના વિદેશી ખરીદદારોને આકર્ષે છે જે વિવિધ શ્રેણીઓમાં સપ્લાયર્સની શોધ કરશે. જેમાં ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ, સિરામિક્સ અને ટાઇલ્સ, ફૂડ એન્ડ પ્રોસેસિંગ અને સંલગ્ન ક્ષેત્ર, કાપડ અને વસ્ત્રો, ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે.

Share:

હાઈલાઇટ્સ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-કોફી ટેબલ બુક, સ્મારક સિક્કા, સ્મારક પોસ્ટલ સ્ટેમ્પનું લોન્ચિંગ કરવામાં આવ્યું
  • ગ્લોબલ ટ્રેડ શો 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ, જ્યારે 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે

ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024માં દેશ -વિદેશના ઉદ્યોગપતિઓ ,ભારતના વિવિધ મંત્રાલયો, સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો, મહિલા ઉદ્યોગ સાહસિકો, સેવા ક્ષેત્રો, સાયન્સ અને ટેકનોલોજી વગેરે વિષયો આધારિત સ્ટોલનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું .જેમાં 12 નંબરના પેવેલિયનમાં આવેલા ઇન્ડિયન પોસ્ટના સ્ટોલનું 'ફિલાટેલીક ધ કિંગ ઓફ હોબીસ' પ્રદર્શન મહાનુભાવો- ઉદ્યોગપતિઓનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે. ડોમ નંબર 12માં સેવા ક્ષેત્ર તથા કૃષિ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે SBI ,UCO Bank,યુનિયન બેન્ક, કેનેરા બેન્ક, HDFC બેન્ક વગેરે બેંકો તથા સિડબી અને નાબાર્ડ જેવા કૃષિ ક્ષેત્રને મદદરૂપ થતી બેંક સેવાઓનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે.

ભારતમાં પોસ્ટ સેવાની શરૂઆત બ્રિટિશર્સ દ્વારા કરવામાં આવી હતી અને તેને અત્યારે હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતી જિલ્લાનો સૌથી ઊંચો વિસ્તાર સિક્કીમથી લઈને એન્ટાર્કટિકા જેવા બરફીલા દેશ અને દાલ લેક જેવા વિસ્તારમાં પણ ભારતીય પોસ્ટ તમામ સેવાઓ પૂરી પાડી રહી છે. દેશના તમામ વિસ્તારોમાં અને ગામડાઓમાં વૃદ્ધો ઘરે બેઠા પેન્શન મેળવી શકે છે અને ગર્ભવતી મહિલાઓ ઘર બેઠા સરકાર દ્વારા મળતી નાણાકીય સહાય માત્ર પોસ્ટની મદદ દ્વારા લઈ શકે છે. પોસ્ટની સેવા અત્યારે નાગરિક કેન્દ્રીયકૃત સેવા બની ગઈ છે જેમાં આધાર કાર્ડ અપડેટ કરવું, પાસપોર્ટ સેવા, બચત સેવા ,સ્પીડ પોસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ છે. પોસ્ટ હવે સામાન્ય નાગરિકોનું ઘર બની ગયું છે અને પોસ્ટમેન તેમના પરિવારનો સભ્ય.

આ એક્ઝિબિશન જેમાં આપણને રામાયણના વિવિધ ધાર્મિક પ્રસંગો જેવા કે વાલ્મિકી, રાવણ હથ્થો, તુલસીદાસ, જયદેવ અને ગીત ગોવિંદ, ભગવાન પરશુરામ, સ્વયંવર, વનવાસ, ભરત, કેવટ, શબરી માતા, જટાયુ, અશોકવાટિકા, સંજીવની, રામ દરબાર વગેરે જેવા યાદગાર પ્રસંગોના સ્ટેમ્પ્સ -ટીકીટ જોવા મળે છે. જ્યારે અત્યારે અયોધ્યામાં શ્રીરામ ભગવાનનું વિશાળ મંદિર આકાર લઈ રહ્યું છે ત્યારે આપણા પ્રિયજન, મિત્ર તથા સંબંધીઓને રામ ભગવાનના પ્રસંગની પ્રતિકૃતિની ટીકીટ લગાવીને પોસ્ટ કવર મોકલવું તો તે આપણા માટે ગૌરવની વાત છે.

પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન- જીઆઈ ટેગના કવર પણ બહાર પાડવામાં આવે છે. જેમાં ગુજરાતની વાનગીઓ, પાટણ અને રાજકોટના પટોળા, જામનગરની બાંધણી, કચ્છી એમ્બ્રોઇડરી અમદાવાદના હેરિટેજ ચબુતરા ,મિલેટ યર 2023ના સ્ટેમ્પ જોવા મળે છે. આ એક્ઝિબિશન સ્ટેમ્પ કલેક્શનના શોખીન નાગરિકો માટે યાદગાર બની રહેશે. જેમાં મહાભારત, રામાયણ, ભારતની વિવિધ વાનગીઓ, ફિલ્મ સ્ટાર, મન કી બાત, વિવિધ ભારતીય રીત રિવાજો તથા વિવિધ માહિતી સભર અને રસપ્રદ વિષયોના સ્ટેમ્પ જોવા મળે છે.

આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ESDM, ફિનટેક, સાયબર સુરક્ષા, AI, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે. 

આ ઉપરાંત ટ્રેડ શોમાં કુલ-13 હોલમાં 'મેઈક ઇન ગુજરાત', 'આત્મનિર્ભર ભારત' સહિત વિવિધ 13 થીમ નક્કી કરાઇ છે. વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે  450 MSME એકમો સહભાગી થ‌ઈ રહ્યા છે. જેમાં મહિલા સશક્તિકરણ, MSME વિકાસ, નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ઊર્જા વગેરે પર આ પ્રદર્શનમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. IT અને ITES સ્ટાર્ટઅપ્સ અને તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા ટેકેડ પેવેલિયન તૈયાર કરાયું છે. ટ્રેડ શો દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ અને વેન્ડર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

આ ટ્રેડ શોના મુખ્ય પેવેલિયનમાં નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ એનર્જી સહિત આર્થિક વિકાસ માટેના મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રેડ શોમાં આંતરરાષ્ટ્રીય અને થીમ પેવેલિયન, ટેકેડ પેવેલિયન‌:ઇનોવેશન ટેકેડપેવેલિયન, ગુજરાત એક્સપિરિયન્સ ઝોન,  સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો- MSME, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગસાહસિક, ઈ-મોબિલિટી, બ્લુ ઈકોનોમી, નોલેજ ઈકોનોમી અને સ્ટાર્ટઅપ્સ, મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત, ટકાઉપણું અને આબોહવા પરિવર્તન પેવેલિયન,  હાઇડ્રોજન ઇંધણ અને ઇલેક્ટ્રિકલ વાહનો, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વ્યૂહાત્મક નેટવર્કિંગ તકો સહિતના પેવેલિયનનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગ્લોબલ ટ્રેડ શો 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ, જ્યારે 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

ભારત અને ગુજરાતના બંદરો અને તેની સાથે સંકળાયેલા બાબતોને લઈને બ્લ્યુ ઇકોનોમી' થીમ પર હોલ નંબર-૩માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા ભાવિ આયોજનોને લઈને પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

આ પેવેલિયનમાં મુલાકાતીઓ માટે આકર્ષણોની વિગતવાર વાત કરીએ તો ડોમમાં પ્રવેશ વખતે પાણીમાં પગ મૂકીને વમળો સર્જાય તેવી અનુભૂતિ કરાવતી સ્ક્રીન, દીવાદાંડી, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા ગુજરાતના અને દેશના બંદરોની રૂબરૂ મુલાકાત કરી જીવંત અનુભવ મેળવી શકે છે, ગુજરાતના બંદરોની ઐતિહાસિક સફરને રજૂ કરતી ફોટો ગેલેરી ઊભી કરવામાં આવી છે.

બ્લ્યુ ઇકોમોની પેવેલિયનમાં આવતા મુલાકાતીઓ માટે ઊભા કરવામાં આવેલ આકર્ષણો વિશે માહિતી આપતા ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચીફ એન્જિનિયર શ્રી બી. બી. તલાવિયા જણાવે છે કે,અહીંયા મુલાકાતીઓને જહાજ ચલાવવાનો જીવંત અનુભવ મળે તે માટે સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સાથે જ જુદા જુદા શીપની કંટ્રોલ પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેના થકી દરિયાઈ શિપ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓને ગુજરાતના મુદ્રા અને હજીરા બંદરની મુલાકાત કરતા હોય એવી અનુભૂવ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા કરવામાં આવી રહ્યો છે. 

બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા લોથલ ખાતે બનાવવામાં આવનાર  મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની માહિતી વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા આપવામાં આવી રહી છે.