ગિફ્ટ સિટી વાઈન એન્ડ ડાઈન સંદર્ભે છૂટછાટ સાથે ગેજેટ નોટોફિકેશન જાહેર, વાંચો વિગતો

સરકારે ગેજેટ બાદ SOP પણ જાહેર કરી છે. જેમાં લીકર એક્સેસથી લઈને રીન્યુ સહિતની તમામ બાબતોનો સમાવેશ થાય છે.

Share:

હાઈલાઇટ્સ

 • ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે જાહેરનામું
 • લાયસન્સ માટે વાર્ષિક ફી 1000 રૂપિયા રહેશે
 • દર બે વર્ષે લીકર પરમિટ રીન્યુ કરાવવાની રહેશે

ગિફ્ટ સિટીમાં પ્રોહિબિશન એકટ હેઠળ કેટલીક છૂટછાટ સાથે નોટોફિકેશન જાહેર કરાયું છે. જેમાં ગિફ્ટ સીટીમાં આવેલા એકમો માટે છૂટછાટ લાગુ પાડવામાં આવી છે. FL3 લાયસન્સ માટેની શરતો જાહેર કરવામાં આવી છે. લિકર એક્સેસ પરમિશન 2 વર્ષ માટે ઈશ્યુ કરાશે તેવું પણ જાણવા મળ્યું છે. દર 2 વર્ષે પરમિટ રિન્યુ કરાવવાની રહેશે. વાર્ષિક 1 હજાર રૂપિયા ફી રહેશે. બહારથી આવતા વિઝીટર માટે 1 દિવસીય ટેમ્પરરરી પરમિટ આપવામાં આવશે. ગિફ્ટ ફેસિલેશન કમિટી ફાઇનલ ઓથોરિટી રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ વગરમાં મુલાકાતીઓને દારૂ આપવામાં આવશે નહીં.

ગાઈડલાઇન અનુસાર ટેમ્પરી પરમિટ હોલ્ડર્સ સાથે કંપનીના કર્મચારીનું હોવું ફરજિયાત છે. લિકર એક્સેસ પરમિટ મેળવવા માંગતા કર્મચારીની યાદી ગિફ્ટ સીટીના અધિકારીઓ દ્વારા નક્કી કરાશે. ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોએ પણ અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે. ગિફ્ટ સિટીમાં હાલ 500થી વધુ કંપનીઓ કાર્યરત છે. જેના 13 હજાર કર્મચારીઓને નવી નિતી લાગુ પડશે. જો કે, તે સિવાયના વિસ્તારમાં દારૂ પીવાથી કે અધિકૃત પરમિટનું ઉલ્લંઘન થશે તો નશાબંધીના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

FL-3 લાયસન્સ ધારકો માટે

 1. લાયસન્સ ધારકે લીકર ખરીદ-વેચાણના રોજબરોજના નિયમ હિસાબો નમૂના FLR-1,2,3,4,5માં રાખવાના રહેશે.
 2. લાયસન્સ ધારકે એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ સિવાયની કોઈપણ વ્યક્તિને લીકર પીરસી શકશે નહીં.
 3. ઓથોરાઈઝ્ડ પર્સન સિવાય લાયસન્સ હેઠળનું સંચાલન અન્ય કોઈ વ્યક્તિ કરી શકશે નહીં.
 4. લાયસન્સના માલિકોએ નોકરનામું મેળવવા નશાબંધી અને આબકારી વિભાગને અરજી કરીને મેળવવાનું રહેશે. લાયસન્સ  હેઠળ કામ કરતા દરેક વ્યક્તિને લાયસન્સ ધારકે ઓળખકાર્ડ આપવામાં રહેશે અને તેની માહિતી જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગને આપવાની રહેશે.
 5. લાયસન્સ ધારકે અધિકૃત અધિકારી દ્વારા મંજૂર કરેલી લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ખરી હોવાની ખાતરી કર્યા બાદ જ પરમિટ ધારકને લીકર પરીસવા માટે આપી શકાશે.
 6. લાયસન્સ ધારકે પોતાના દરેક કર્મચારીનો યુનિફોર્મ કોડ નેમ પ્લેટ સાથે રાખવાનો રહેશે.
 7. લાયસન્સ ધારક જે જગ્યા પર સીલબંધ લીકર બોટલ રાખશે તે જગ્યાએથી લઈને સમગ્ર વિસ્તાર સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે. તેનું રેકોર્ડિંગ 3 મહિના સુધી રાખવાનું રહેશે. સીસીટીવીનું રેકોર્ડિંગ આદેશ મુજબ રજુ કરવાનું પણ રહેશે.
 8. વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી અલાયદી રાખવાની રહેશે. લીકનું સેવન કરવાની જગ્યા સામાન્ય નાગરિક કે અવરજવર થતી હોય તેવી જાહેર જગ્યા પર રાખી શકાશે નહીં.
 9. વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી એરિયામાં પ્રવેશ કરતો દરેક વ્યક્તિ અધિકૃત/ પરમિટ ધારક જ હોવો જોઈએ.
 10. વાઈન એન્ડ ડાઈન એરિયાના પ્રવેશદ્વારમાં લાયસન્સ ધારકે પોતાના સિક્યુરિટી સ્ટાફ રાખવાનો રહેશે.
 11. લીકર એક્સેસ પરમિટ ધારકે પ્રવેશ દ્વાર પર પોતાનું કાર્ડ બતાવવાનું રહેશે. તેવી જ રીતે ટેમ્પરરી પરમિટના કિસ્સામાં તેમની સાથે આવેલા લીકર એક્સેસ પરમિટ ધારકે તમામ ટેમ્પરરી પરમિટ ધારકોની જરૂરી એન્ટ્રી કરવાની રહેશે.
 12. નિયામક, નશાબંધી અને આબકારી સૂચવે તે રીતે લાયસન્સ ધારકે સોફ્ટવેર નિભાવવાનું રહેશે. રોજેરોજનો હિસાબ તથા સ્ટોકપત્રક રાતના 12 વાગ્યા સુધીમાં અપલોડ કરવાનો રહેશે.
 13. કોઈપણ પરમિટ ધારક વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં અઘટિત કૃત્ય કરે તો સિક્યુરિટી સ્ટાફ દ્વારા તેઓને ત્યાંથી તાત્કાલિક દૂર કરવાના અને કાયદાકીય કાર્યવાહી કરવાની જવાબદારી FL-3 લાયસન્સ ધારકની રહેશે.
 14. લાયસન્સ ધારક દ્વારા પરમિટ ધારકને કઈ બ્રાન્ડનો લીકર કેટલી માત્રામાં, કયા સમયે, કેટલી કિંમત વસૂલ કરી વેચાણ કર્યું છે તેનું અધિકૃત વેચાણ બિલ અધિકૃત સહી વાળું આપવાનું રહેશે. આવા બિલમાં રાજ્ય સરકાર અને ભારચત સરકારના લેવામાં આવતા તમામ વેરા અલગથી દર્શાવવાના રહેશે. વધુમાં બિલમાં એફએલ-3 પરવાના ધારકનું નમ, સરનામું, ફોન નંબર, લીકર એક્સેસ પરમિટ, ટેમ્પરરી પરમિટ ધારકના નામ સહિતની વિગતો દર્શાવવાની રહેશે તથા આવું બિલ લીકર એક્સેસ પરમિટ અથવા ટેમ્પરરી પરમિટ ધારકોના મોબાઈલ પર ડિજિટલી તાત્કાલિક મોકલવાનું રહેશે.
 15. એફએલ-3 લાયસન્સ ધારકે પોતાને જોઈતો લીકર જૂદી-જૂદી બ્રાન્ડનો જથ્થો રાજ્યના એફએલ-1 લાયસન્સ ધારક પાસેથી ખરીદવાનો રહેશે અને જો કોઈ બ્રાન્ડ ખાસ પ્રકારની હોય તો વિદેશથી અથવા અન્ય રાજ્યમાંથી આયાત કરવા માટે નશાબંધી અને આબકારી વિભાગની પૂર્વમંજૂરીના આધારે મેળવી શકશે.
 16. લાયસન્સ ધારકે રાજ્ય સરકારે નિયત કરેલી આબકારી જકાત, ટ્રાન્સપોર્ટ પરમિટી ફી, ઈમ્પોર્ટ પરમિટ ફી, સ્પેશિયલ ફી તેમજ એક સ્થળેતી બીજા સ્થળે પરિવહન કરવા માટે એસ્કોર્ટ ચાર્જિસની રકમ નશાબંધી અને આબકારી ખાતાના નિયત કરેલા આવકના સદરે આગવી રકમ જમા કરાવવાની રહેશે. તે સિવાય રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવતી અન્ય કોઈ ફી, કર, વેરા વગેરે ચૂકવવાના રહેશે.
 17. લાયસન્સ ધારકે ગિફ્ટ ફેસેલીટેશન કમિટી દ્વારા મંજૂર થયેલા વિસ્તારમાં જ વાઈન એન્ડ ડાઈનની ફેસિલીટી માટે નકશો મંજૂર કરાવેલો હોય તે સિવાય અન્ય કોઈ સ્થળે લીકર રાખી કે પીરસી શકશે નહીં.
 18. એફએલ-3 લાયસન્સ ધારકે કોઈપણ પરમિટ ધારકને બોટલ કે ટીન કે કોઈ અન્ય સ્વરૂપમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી વિસ્તારમાંથી બહાર કોઈપણ સંજોગોમાં લઈ જવા માટે આપી શકશે નહીં. તેમજ તે જ રીતે પણ પરમિટ ધારક લીકરની બોટલ વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીની અંદર લઈ જઈ શકશે નહીં.
 19. એફએલ-3 લાયસન્સની જગા સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર અને કાયમી માળખામાં હોવી જોઈએ.
 20. એફએલ-3 લાયસન્સ ધારકે પ્રવર્તમાન તમામ કાયદાઓ, નિયમોનું પાલન કરવાનું રહેશે.

લીકર એક્સેસ પરમિટ/ટેમ્પરરી પરમિટ માટે

 1. પરમિટ મેળવનાર વ્યક્તિ 21 વર્ષથી વધુના વયના હોવા જોઈએ.
 2. પરમિટ મેળવતા પહેલા સામેલ નમૂના મુજબ પ્રવર્તમાન કાયદા, નિયમોનું પાલન કરવાની બાહેંધરી આપવાની રહેશે.
 3. લીકર પરમિટ મેળવનારે જ્યારે ગિફ્ટ સિટીમાંથી નોકરી છોડે તેના પછીના ચાલુ દિવસમાં પોતાની પરમિટ રદ કરવા માટે રજૂ કરવી પડશે.
 4. પરમિટ ધારકે લીકર સેવન કર્યા બાદ પોતાની પરમિટ અને બિલ પોતાની પાસે રાખવા પડશે. સક્ષમ અધિકારી તે પરમિટ તપાસવાની માંગણી કરે તો રજૂ કરવાની રહેશે.
 5. લીકર એક્સેસ પરમિટ ધારક જ્યારે ટેમ્પરરી પરમિટ ધારક સાથે વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં લઈને આવે ત્યારે સમગ્ર સમયગાળા દરમિયાન ટેમ્પરરી પરમિટ ધારક સાથે રહેવાનું રહેશે અને ટેમ્પરરી પરમિટ ધારકોને લીકર સેવન કર્યા અંગેનું બિલ તમામને તેમના મોબાઈલ પર તાત્કાલિક મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
 6. લીકર એક્સેસ પરમિટ ધારકે પરમિટ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. જો પરમિટ ગુમ થાય  અથવા તેમા લખેલા નોંધનું લેખન અસ્વચ્છ થાય તો તુરંત નવી પરમિટ મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે.

ભલામણ કરનારા અધિકારી માટે

 1. ભલામણ અધિકારીએ કંપનીના ઓફિશિયલ લેટર પેડ ઉપર જ દરખાસ્ત કરવાની રહેશે.
 2. પરમિટ જે વ્યક્તિ ભલામણ કરી હોય તે વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધુ હોવાની જોઈએ. તે વ્યક્તિની ઉંમર, કાયમી અને હંગામી રહેઠાણ, નોકરી અંગેનો આધાર, ઓળખકાર્ડ વિગેરે ચકાસણી કર્યા બાદ જ તેની રેકોર્ડ પરમિટ મંજૂર/દરખાસ્ત કરવાની રહેશે.
 3. લીકર એક્સેસ પરમિટ ધારક પાસેથી પરમિટ આપતા પહેલા પ્રવર્તમાન કાયદા નિયમોનું પાલન કરવા સામેલ રાખેલા નમૂનામાં બાહેંધરી પત્ર રાખવાનું રહેશે.
 4. ભલામણ કરનાર અધિકારીએ પોતાની કચેરીમાં લીકર પરમિટ ધારકોની અધ્યતન યાદી દર માસની 5મી તારીખ સુધીમાં અધિકૃત અધિકારીને જાહેર કરવાની રહેશે.

અધિકૃત અધિકારી દ્વારા કાર્યપદ્ધતિ અનુસરવા બાબત

 1. ગિફ્ટ સિટીના અધિકૃત અધિકારીઓની નિયુક્તિ કરીને ગિફ્ટ સિટી એમ ડીએ નશાબંધી અને આબકારી વિભાગના નિયામકને લેખિત જાણ કરવાની રહેશે.
 2. જે તે કંપનીના જવાબદાર કર્મચારીઓને વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં લીકર સેવન કરવા માટે પરમિટ આપવા/ભલામણ કરવા અંગે રિકમેન્ડિંગ ઓફિસર્સની નિયુક્તિ કરશે અને તેની જાણ અધિક્ષકને લેખિતમાં કરશે.
 3. એફ એલ-3 લાયસન્સનું સંચાલન યોગ્ય રીતે થતું ન હોય તો અધિકૃત અધિકારીએ તરત જ નિયમાકને જાણ કરવાની રહેશે.
 4. અધિકૃત અધિકારી દ્વારા ભલામણ અધિકારી દ્વારા મોકલેલા દરખાસ્તોને ચકાસણી કરીને લીકર એક્સેસ પરમિટ નિયમ નમૂનામાં આપવામાં આવશે.
 5. અધિકૃત અધિકારી દ્વારા ભલામણ અધિકારી દ્વારા આપવામાં આવતી ટેમ્પરરી પરમિટ સમયાંતરે ચકાસણી કરવાની રહેશે અને જો કોઈ ભલામણ અધિકારી દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવતો હોય તો નિયમોનુસારની કાર્યવાહી કરવાની રહેશે.