ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે જાહેર કરાઈ ડિજિટલ પ્રશ્ન બેંક

શહેરના અગ્રણી શિક્ષકો દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન બેન્કની ઇ- પુસ્તક તૈયાર કરી છે. આ પ્રશ્નબેંક વિનામૂલ્યે ડિઝિટલ સ્વરુપે તમામ વિદ્યાર્થીઓ મેળ‌વી શકશે.

Share:

હાઈલાઇટ્સ

  • નિષ્ણાતોની મદદથી તૈયાર પ્રશ્ન બેંક આગામી બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદરૂપ બનશે

અમદાવાદ: ગુરુવારે શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 2024માં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી ઈ- પ્રશ્નપત્ર બુકનું અનાવરણ કરાયું હતું. શહેર ડીઈઓ રોહિત ચૌધરી સહિતના પદાધિકારીઓ અનાવરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ બુકમાં ધો.10ના મુખ્ય પાંચ વિષય, ધો. 12 વિજ્ઞાન પ્રવાહના ચાર વિષય અને ધો.12 સામાન્ય પ્રવાહના 6 વિષયોનો સમાવેશ થાય છે.

ડિજિટલ સ્વરૂપે તૈયાર કરાયેલી આ પ્રશ્ન બેંકની મદદથી બોર્ડની તૈયારીમાં વિદ્યાર્થીઓને મદદ મળશે. શહેરની નામાંકિત સ્કૂલોના વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નોની પ્રશ્ન બેંક તૈયાર કરી હોવાનું જાણવા મળે છે. ગતવર્ષે જે સ્કૂલોના વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું હતું તેમના આ પ્રશ્ન બેંકની મદદથી તૈયારી કરાવાશે.

આ પ્રશ્ન બેંક તૈયાર કરવા માટે અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓના વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદ લેવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા પ્રશ્ન બેંકના આધારે કેવા પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેમાં ઉપયોગી સાબિત થઈ શકે.

આ પ્રશ્નબેંક ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશ્નબેંકમાં એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરીને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશે. જે વિના મૂલ્યે મળી રહેશે. એટલે આ પ્રશ્ન બેંકથી આર્થિક ભારણ વગર ગરીબ વિદ્યાર્થી પણ યોગ્ય તૈયારી કરી શકશે. આ સિવાય અમદાવાદ સેન્ટરનું પરિણામ પણ આ પ્રશ્ન બેન્કના કારણે વધુ આવશે.