Ahmedabad Civil Hospital: બ્રેઈન ડેડ યુવાના પરિવારજનોએ ગુપ્ત રીતે અંગદાન કર્યુ

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

Courtesy: careinsurance

Share:

હાઈલાઇટ્સ

  • સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કરવાનો નિર્ણય કર્યો
  • અંગદાનની મુહીમને વેગવંતી બનાવવા લોકોએ એકજુટ થવું પડશે-સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી
  • બંને કિડની અને એક લીવરને મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા..

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦  મું અંગદાન થયું છે. વર્ષ ૨૦૨૪નું આ પ્રથમ અંગદાન છે. ૧૪૦ માં અંગદાનમાં મહત્વની બાબત એ બની રહી કે, પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કર્યું. 

સમગ્ર વિગતો એવી છે કે , અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષના યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેઇન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું . જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી. નવમી જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા આ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયો. બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી ત્યારે પરિવારજનોએ પરોપકાર ભાવને સર્વોપરી ગણતા સ્વજનના અંગોનું ગુપ્તદાન કરવાનો નિર્ણય કર્યો.

Ahmedabad civil superintendents
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોશી Amit Chauhan

અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બ્રેઇન ડેડ યુવકના  અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. જેના અંતે બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ  કરવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે , અંગદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવી જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવા માટે સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકોએ એક જૂટ થવું પડશે.
અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં પ્રસરાવી પડશે. તેની જનજાગૃતિ લોકોમાં કેળવાય તેવા સહિયારા પ્રયાસો હાથ  ધરવા ડૉ .જોશી એ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે.