ગુજરાતના આ જિલ્લાઓમાં કડકડતી ઠંડી વચ્ચે પડશે કમોસમી વરસાદ, 3 દિવસની આગાહી

આગામી 8, 9 અને 10 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.

Share:

હાઈલાઇટ્સ

  • કમોસમી વરસાદને કારણે ઠંડીનું જોર વધશે
  • આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે

હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. આગાહી અનુસાર આગામી ચાર દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે પછીના સળંગ 3 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. એટલે 8, 9 અને 10 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના કેલાક જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેથી આગામી દિવસોમાં ઠંડીનું જોર ઓર વધે તેવી પૂરેપૂરી શક્યતા હાલ લાગી રહી છે.

3 દિવસની આગાહી
8 જાન્યુઆરી: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ જ્યારે જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હવામાન ડ્રાય રહેશે.
9 જાન્યુઆરી: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જ્યારે મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે દીવ, દાદરા નગર હવેલી અને દમણમાં હવામાન ડ્રાય રહેશે.
10 જાન્યુઆરી: બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવો વરસાદ થશે અને દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં હવામાન શુષ્ક રહેશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ બાદ અરબ સાગર ઉપર એક ટ્રફ સર્જાશે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેશે તથા સાગરમાં જે ટ્રફ સર્જાઈ રહ્યું છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની શક્યતા છે.

સવારે ધૂમ્મસનું સામ્રાજ્ય
છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા સહિત મધ્ય ગુજરાત પર બુધવારે સવારે ગાઢ ધુમ્મસની ચાદર પ્રસરી જતાં રેલ અને રોડ વ્યવહાર ધીમી ગતિએ ચાલ્યો હતો. ધુમ્મસના કારણે વાહનચાલકોએ ઝીરો વિઝિબિલિટીના કારણે અટવાઈ ગયા હતા. બીજી તરફ બે દિવસ ઠંડા પવન શરૂ થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.