કોવિડ વર્ષમાં અમદાવાદનો મૃત્યુદર 2 ટકા વધ્યો, જન્મદર 3 ટકા ઘટ્યો, જુઓ આંકડા

2021માં મૃત્યુદરમાં 2.38 પોઈન્ટનો વધારો થયો હતો જેમાં પાછલા વર્ષ કરતાં 13908 વધુ મૃત્યુ થયા હતા. અગાઉના વર્ષની સરખામણીમાં 17036 ઓછા જન્મ સાથે જન્મદરમાં 2.92 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદમાં 2020માં સૌથી પહેલો કેસ નોંધાયો હતો
  • બે ગંભીર લહેરમાં અમદાવાદમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (AMC)ના નાણાકીય વર્ષ 2020-21ના વાર્ષિક વહીવટી અહેવાલમાં કોવિડ-19 રોગચાળાના પ્રથમ વર્ષમાં શહેરના મૃત્યુ અને જન્મ દરમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. AMCના 2020-21ના એન્યુઅલ રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19 રોલરકોસ્ટરે રોગચાળાના પ્રથમ વર્ષમાં અમદાવાદમાં કેવી અસર કરી હતી?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર મૃત્યુદર પાછલા વર્ષ (2019)ની સરખામણીમાં 2 ટકા વધ્યો હતો, જે બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે જન્મ દર 3 ટકા ઘટ્યો હતો, જે એક દાયકાની નીચી સપાટીએ હતો. મૃત્યુદર 2019માં 53473થી વધીને 2020માં 67381 થયો અને શહેરની વસ્તીના પ્રમાણમાં મૃત્યુ દર 9.17થી વધીને 11.55 થઈ ગયો.

2020-21માં મૃત્યુદરમાં 2.38 પોઈન્ટનો વધારો થયો હતો જેમાં પાછલા વર્ષ કરતાં 13908 વધુ મૃત્યુ થયા હતા. અગાઉના વર્ષની સરખામણીમાં 17036 ઓછા જન્મ સાથે જન્મદરમાં 2.92 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

ડેટા દર્શાવે છે કે છેલ્લા 2 દાયકામાં શહેરની વસ્તીમાં જન્મ અને મૃત્યુને ધ્યાનમાં રાખીને દર વર્ષે સરેરાશ 50000નો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે કોવિડ વર્ષમાં શહેરની વસ્તી વૃદ્ધિમાં આશરે 30000નો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે, 4 જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ કમિટીએ આ ડેટા એપ્રુવ કર્યો હતો.

જે દર્શાવે છે કે 2020-21માં જન્મના ઘટાડાની સીધી અસર તરીકે, શિશુ અને માતાના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. બાળ મૃત્યુદર 2019-20માં 28.99 સામે 2020-21માં ઘટીને 24.60 (પ્રતિ 1000 લાઈવ બર્થ) થયો છે. 2020-21માં AMCએ શહેરમાં 2194 શિશુ મૃત્યુ નોંધ્યા હતા જે 2019-20માં 3080 હતા.

2019-20માં AMCએ માતૃ મૃત્યુ દર 0.86 (પ્રતિ 1000 જન્મ) નોંધ્યો છે, જે 2020-21માં ઘટીને 0.76 થયો છે. 2019માં શહેરમાં 91 માતાના મૃત્યુ થયા હતા જે 2020-21માં ઘટીને 68 થયા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે AMCએ તેનો 2020-21નો વાર્ષિક અહેવાલ પ્રકાશિત કર્યો નથી, જે GPMC એક્ટ 1949 હેઠળ ફરજિયાત છે. આરોગ્ય વિભાગે રોગચાળા દરમિયાન અને રોગચાળા પછીના વર્ષોમાં એએમસી અધિકારીઓ પાસેથી જન્મ અને મૃત્યુને ઍક્સેસ કરવાની સત્તા પણ પાછી ખેંચી લીધી હતી.

AMCના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, જન્મમાં ઘટાડો થવાનું કારણ મુખ્યત્વે પરિણીત યુગલોમાં ડર છે. મોટાભાગના લોકોએ આશા ગુમાવી દીધી હતી અને અંધકારમય ભવિષ્ય જોયું હતું અને તે વર્ષે પ્રેગ્નેન્સીનો પ્લાન બનાવ્યો નહોતો. આ શિશુ અને માતા મૃત્યુદરમાં થયેલા ઘટાડા પર પણ પ્રતિબિંબિત થાય છે. જો કે, મૃત્યુ દેખીતી રીતે કોવિડને કારણે થયા છે.

ઉલ્લેખનીય છે કે, 20 માર્ચ, 2020ના રોજ અમદાવાદમાં પ્રથમ કોવિડ કેસ નોંધવામાં આવ્યો હતો, જે પછી કોરાનાની બે ગંભીર લહેર આવી હતી, જેમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા હતા, તેવું અધિકારીએ જણાવ્યું હતું.

ડેટા દર્શાવે છે કે 2020માં, AMCએ જુલાઈમાં 7190, ઓગસ્ટમાં 7294, સપ્ટેમ્બરમાં 8983, ઓક્ટોબરમાં 9274, નવેમ્બરમાં 8496 અને ડિસેમ્બરમાં 8993 મૃત્યુ નોંધ્યા હતા. જાન્યુઆરી-માર્ચ 2021માં શહેરમાં દર મહિને લગભગ 5000-6000 મૃત્યુ નોંધાયા હતા.

AMCની વેબસાઈટ પર આપેલી વિગતો અનુસાર AMCમાં વાર્ષિક આશરે 1,10,000 જન્મો અને લગભગ 55,000 મૃત્યુ નોંધાય છે.