છોટા ઉદેપુર: સગર્ભા માટે આવેલી 108 એમ્બ્યુલન્સને ટ્રેક્ટરથી બાંધીને ખેંચવી પડી, જુઓ વીડિયો

છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં એમ્બ્યુલન્સને ટ્રેક્ટર વડે ખેંચવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તંત્ર દ્વારા પાકો રોડ ન બનાવવામાં આવતો હોવાનો ગ્રામજનોનો આરોપ છે.

Share:

હાઈલાઇટ્સ

  • કેવડી ગામના મેણ ફળિયામાં 108ને ટ્રેકટરથી ખેંચવાની ઘટના
  • 'જૂના રસ્તા બીસ્માર હોવા છતાં પણ તંત્ર ધ્યાન નથી આપતું'‎

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં એક ટ્રેક્ટરથી બાંધીને 108 એમ્બ્યુલન્સને ખેંચવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં એક સગર્ભા મહિલા માટે બોલાવેલી 108 ગામડાના કાચા રસ્તાઓ પર ન ચાલી શકતા આખરે તેને ટ્રેક્ટરથી બાંધીને ખેંચવામાં આવી હતી. આ ઘટના છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામની છે.

છોટા ઉદેપુરના કેવડી ગામની ઘટના

પ્રાપ્ત અહેવાલો અનુસાર કેવડી ગામના મેણ ફળિયામાં પહેલીવાર પહોંચેલી 108માં સગર્ભા હતી. આ 108 ભંગાર રસ્તે ચઢી ન શકતા તેને ગ્રામજનોએ ટ્રેકટરથી ખેંચીને બહાર લાવવી પડી હતી. જો કે, થોડા સમય બાદ એમ્બ્યુલન્સ સારવાર કેન્દ્ર પહોંચતા સગર્ભાએ તેના બાળકને જન્મ આપ્યો હતો. સાથે જ મહિલાએ ગામમાં પાક્કો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. બીજી તરફ ગામના સરપંચ દ્વારા પણ તેમની ગ્રામ પંચાયતમાં આવતા ડામર રોડ વર્ષો જૂના હોવાની રજૂઆત કરી છે પરંતુ કોઈ રજૂઆત સાંભળતું ન હોવાનું ધ્યાને આવ્યું છે.

સરકાર મંજૂર કરીએ તો રોડ બને: તંત્ર

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે પણ ગ્રામ્ય વિસ્તારમાં સારા રોડ બાબતે તંત્રને ટકોર કરી છે. જો કે, તંત્રનું કહેવું છે કે, રોડ વિભાગને દરખાસ્ત કરેલી છે ત્યારે રોડ મંજૂર થશે ત્યારે નવો બનાવવામાં આવશે.

ગામના લોકોની એક જ માંગ

કેવડી ગામના સરપંચે મીડિયાને જણાવ્યું કે, વર્ષો જૂના ડામર રોડ એકદમ ખરાબ હાલતમાં છે. જ્યારે 108 એમ્બ્યુલન્સ દર્દીને લેવા આવે ત્યાં તે પણ ગામની બહાર ઉભી રહે છે. પંચાયતમાં આવતા રોડ 13 વર્ષ જૂના છે. તંત્ર ધ્યાન નથી આપતું. જેથી જલદી પાકો રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.