મહિલા CEOએ 4 વર્ષના બાળકની કરી હત્યા, બેગમાં લાશ મૂકી સગેવગે કરવા ગઈને ફસાઈ ગઈ

પોલીસે બેંગાલુરુમાં રહેતી એક 39 વર્ષીય મહિલાને ઝડપી પાડી છે. આ મહિલા એક કંપનીની સીઈઓ છે. તે શનિવારે ગોવા પહોંચી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • મહિલાએ તેના જ ચાર વર્ષના બાળકની કરી હત્યા
  • બેગમાં મૃતદેહ મૂક્યો અને પછી રવાના થઈ ગઈ હતી
  • ડ્રાઈવરે પણ પોલીસની મદદ કરી અને મહિલાને ઝડપાવી દીધી

Goa Crime News: ગોવામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના જ ચાર વર્ષના બાળકની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે તેની લાશ એક બેગમાં મુકી હતી અને પછી તેને સગેવગે કરવા નીકળી ગઈ હતી. એ સમયે તે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે બેગમાંથી બાળકનો મૃતદેહ પણ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલા નહોતી ઈચ્છતી કે તેનું બાળક તેના પૂર્વ પતિને મળે. આખરે આ કેસમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

બેંગાલુરુથી ગોવા પહોંચી
પોલીસના જણાવ્યા મુજબ, બેંગાલુરુમાં રહેતી 39 વર્ષીય મહિલાએ આ ગુનાને અંજામ આપ્યો હતો અને તેને ઝડપી પાડવામાં આવી હતી. આ મહિલા એક કંપનીની સીઈઓ છે. તે ગયા શનિવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ ગોવા પહોંચી હતી. અહીં પહોંચ્યા બાદ તેણે એક રુમ બુક કરાવ્યો હતો. સોમવારે મહિલાએ હોટલમાંથી ચેક આઉટ કર્યુ હતુ. બાદમાં તેણે બેંગાલુરુ જવા માટે એક ટેક્સી બુક કરાવી હતી. જ્યારે હોટલના એક સ્ટાફે સલાહ આપી કે તેઓ ફ્લાઈટમાં જાય તો વધુ સારુ. પણ તે તેની જીદ પર અડગ રહી. 

રૂમમાંથી લોહીના ડાઘ મળ્યા 
થોડી વાર પછી હોટલનો કર્મી રુમની સાફ સફાઈ કરવા માટે ગયો હતો. જ્યારે તે રુમમાં પહોંચ્યો તો લોહીના ડાઘા જોઈને તે ગભરાઈ ગયો હતો. એ પછી તેણે આ વાતની જાણકારી તેના ઉપરી અધિકારીઓને કરી હતી. જ્યારે તેઓએ સીસીટીવી કેમેરા જોયા તો આખી ઘટનાનો ખુલાસો થયો હતો. એ પછી હોટલના સ્ટાફે આ વાતની જાણકારી પોલીસને આપી હતી. 

કાર ડ્રાઈવરે કરી પોલીસની મદદ 
જ્યારે પોલીસે આ ટેક્સી ચાલકનો નંબર લઈને ફોન કર્યો તો તેણે સ્થાનિક ભાષામાં પોલીસ સાથે વાત કરી હતી. બાદમાં ડ્રાઈવર આખો મામલો કળી ગયો હતો અને પછી મહિલાને કોઈ પણ જાણ કર્યા વગર તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એ સમયે પોલીસ પણ રાહ જોઈને ઊભી હતી. જ્યારે પોલીસે મહિલાનની બેગ તપાસી તો તેમાંથી બાળકની લાશ મળી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે શું કહ્યું?
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આરોપી મહિલાનું નામ સૂચના શેઠ છે અને તે એઆઈ કંપનીની સીઈઓ છે. પોલીસે જણાવ્યું કે, મૂળ પશ્ચિમ બંગાળમાં રહેતી સૂચના શેઠના તેના પતિ સાથે તણાવભર્યા સંબંધ ચાલી રહ્યા હતા. એટલે પોલીસને શંકા છે કે, બાળકની હત્યા પાછળનું કારણ આ હોઈ શકે છે. જો કે, હત્યા પાછળનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી. તેનો પતિ મૂળ કેરળનો છે અને હાલ તે ઈન્ડોનેશિયામાં રહે છે. આ હત્યા બાદ તેને પણ ભારતમાં બોલાવવામાં આવ્યો છે.