જેને અકસ્માત સમજ્યો તે હત્યા નીકળી.. પોલીસે નહીં પરંતુ દીકરાએ જ શોધ્યો પિતાનો મૃતદેહ

એક વૃદ્ધ માણસને કાર્ડબોર્ડ બોક્સમાં પેક કરીને ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. મૃતકના પુત્રએ ટેન્ટ માલિક અને તેના કર્મચારીઓ પર તેના પિતાની હત્યાનો આરોપ લગાવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • કાનપુરમાં હત્યાની ચોંકાવનારી ઘટના બની છે
  • એક વૃદ્ધની લાશ ગટરમાંથી મળી આવી હતી

કાનપુરમાં હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક વૃદ્ધ વ્યક્તિને કાર્ડબોર્ડ બોક્સમાં નાખીને ગટરમાં ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. ઘટનાના 15 દિવસ બાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ આ હત્યાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા વૃદ્ધના મૃત્યુ અંગે દાવો કરવામાં આવી રહ્યો હતો કે દારૂના નશામાં ગટરમાં પડતા તેમણે જીવ ગુમાવ્યો છે, પરંતુ સીસીટીવી ફૂટેજથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. પહેલા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતાં મોતનું કારણ નાળામાં ડુબી જવાથી હોવાનું જણાવાયું હતું, પરંતુ વૃદ્ધ ગટરમાં કેવી રીતે ડૂબી ગયા તે અંગે પોલીસ મૂંઝવણમાં હતી.

હવે આ હત્યા સંદર્ભે પોલીસે મેળવેલા સીસીટીવી ફૂટેજમાં બે લોકો રાત્રે એક મોટું કાર્ડબોર્ડ ગટરમાં ફેંકતા જોવા મળે છે. આ પછી મૃતકના પરિવારજનોએ વૃદ્ધના માલિક અને તેના કર્મચારીઓ પર પિતાને જીવતા ગટરમાં ફેંકી દેવાનો આરોપ લગાવ્યો છે.

હત્યાનો આરોપ લગાવ્યો
હવે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગતો અનુસાર કાનપુરમાં 21 ડિસેમ્બરના રોજ, બરાના રહેવાસી 60 વર્ષીય સુનીલ જયસ્વાલ એક નાળામાં ડૂબી ગયેલા મળી આવ્યા હતા. સુનીલના પુત્ર ગૌતમ જયસ્વાલનો આરોપ છે કે મારા પિતા ભસીન ટેન્ટ હાઉસમાં કામ કરતા હતા. તેમણે માલિક પાસેથી તેમના બાકીના નીકળતા રૂપિયા માંગ્યા હતા અને આ બાબતે તેમનો માલિક સાથે ઝઘડો થયો હતો.

પૈસા બાબતે ઝઘડો થયો
21 ડિસેમ્બરના રોજ ટેન્ટ હાઉસના માલિકે અમને કહ્યું હતું કે તમારા પિતાના ચપ્પલ ગટર પાસે મળી આવ્યા છે, પિતા દારૂ પીવે છે, તેથી કદાચ તેઓ ગટરમાં પડ્યા હશે, હું મારી માતા સાથે ઘટનાસ્થળે ગયો હતો, મારી માતાએ અંદર જોયું, પરંતુ ત્યાં પિતા મળ્યા નહીં.

પુત્રએ કહ્યું કે પોલીસને ફોન કરવા પર પોલીસકર્મીઓએ કહ્યું કે તેઓ સવારે તેમની શોધ કરશે, ત્યારબાદ તેણે પોતે જ નાળામાં કૂદીને ડૂબેલા પિતાને બહાર કાઢ્યા. આ દરમિયાન તેઓ શ્વાસ લઈ રહ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

તપાસ બાદ કાર્યવાહી કરાશે : પોલીસ
ગૌતમ જયસ્વાલે જણાવ્યું કે ટેન્ટ હાઉસના માલિકે તેમને પૈસાને લઈને પિતા સાથેના ઝઘડાની જાણ કરી હતી, તેથી મને લાગ્યું કે માલિકે મારા પિતાની હત્યા કરીને તેમને ગટરમાં ફેંકી દીધા છે. જો કે, તે સમયે પોલીસે પુત્રની વાત ન માની અને કહ્યું હતું કે તેઓ નશાના કારણે ગટરમાં પડી ગયા હોઈ શકે છે. પરંતુ 15 દિવસ બાદ સીસીટીવી ફૂટેજ સામે આવતાં આ હત્યાની ઘટનાનો પર્દાફાશ થયો છે.

હવે પોલીસનું કહેવું છે કે વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં લોકોએ બોક્સ ફેંકવાના મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારના આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસના આધારે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.