Uma Bharati: રામ ભક્તિ પર અમારો કોપીરાઈટ નથી, રામ-હનુમાન ભાજપના નેતા નથી...

ઉમા ભારતીએ કહ્યું કે, હું ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું કે તમે એ અહંકાર છોડી દો કે માત્ર તમે જ રામની ભક્તિ કરી શકો છો. હું વિપક્ષને પણ કહેવા માંગુ છું કે, અહંકાર અથવા ભયથી મુક્ત થઈને આપણે બધાને ખુશી-ખુશી આમાં ભાગ લેવો જોઈએ.  

Share:

હાઈલાઇટ્સ

  • 18 જાન્યુઆરીથી જ અયોધ્યામાં રહેશે ઉમા ભારતી
  • મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈપણ વ્યક્તિ આવી શકે છે. અને કોઈપણ વ્યક્તિને આમંત્રણ પણ આપી શકાય છે.

શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા સમારોહ કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ ભવ્ય અને ઐતિહાસીક કાર્યક્રમમાં હાજરી આપવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ દ્વારા કેટલાય અગ્રણી લોકો તેમજ મહાનુભાવોને આમંત્રીત કરવામાં આવી રહ્યા છે. કાર સેવકો અને તેમના પરિજનોને પણ આમંત્રણ મોકલાયું છે. છેલ્લા કેટલાક સમયથી રાજનૈતિક ગતિવિધિઓથી દૂર ચાલી રહેલી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ ચહેરાઓ પૈકી એક અને ભાજપના નેતા ઉમા ભારતી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

6 ડિસેમ્બર 1992 ના રોજ જ્યારે બાબરી ધ્વંસ કરવામાં આવ્યો હતો ત્યારે ઉમા ભારતી અયોધ્યામાં હાજર હતા અને આ કેસના 32 આરોપીઓ પૈકીના એક ઉમા ભારતી હતા. રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાવવાને લઈને જ્યારે ઉમા ભારતીને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, હું 12 વર્ષની હતી ત્યારે ધાર્મિક પ્રવચન આપવા માટે અયોધ્યા ગઈ હતી. હું બાળપણમાં જ રામાયણ અને મહાભારત પર પ્રવચન આપતી હતી.

22 જાન્યુઆરીના નિમંત્રણ મામલે જ્યારે ઉમા ભારતીને પૂછવામાં આવ્યું કે, શું વિપક્ષી નેતાઓને આમંત્રીત કરવા જોઈએ? ત્યારે તેમણે કહ્યું કે, નિમંત્રણ કોને મોકલવું એ રામ મંદિર ટ્રસ્ટનો નિર્ણય છે. આ કોઈ રાજનૈતિક આમંત્રણ નથી. રામ ભક્તિ પર અમારો કોઈ કોપીરાઈટ નથી. ભગવાન રામ અને હનુમાનજી મહારાજ એ ભાજપના નેતા નહોતા. તેઓ આપણું રાષ્ટ્રીય સન્માન છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈપણ વ્યક્તિ આવી શકે છે. અને કોઈપણ વ્યક્તિને આમંત્રણ પણ આપી શકાય છે.

કેટલાક ઈલેક્ટ્રોનિક માધ્યમોને આપેલા ઈન્ટરવ્યૂમાં ઉમા ભારતીએ કહ્યું કે, હું તમામ રાજનેતાઓને કહીશ કે, આને રાજનૈતિક દ્રષ્ટીથી ન જોવું.

બીજેપીના લોકો અહંકાર છોડેઃ ઉમા ભારતી

ઉમા ભારતીએ કહ્યું કે, હું ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું કે તમે એ અહંકાર છોડી દો કે માત્ર તમે જ રામની ભક્તિ કરી શકો છો. હું વિપક્ષને પણ કહેવા માંગુ છું કે, અહંકાર અથવા ભયથી મુક્ત થઈને આપણે બધાને ખુશી-ખુશી આમાં ભાગ લેવો જોઈએ.  

હું 18 જાન્યુઆરીથી જ અયોધ્યા જઈશ

ઉમા ભારતીએ જણાવ્યું કે, ટ્રસ્ટે તેમને 18 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રહેવા અને 22 જાન્યુઆરી સુધી રાહ ન જોવા માટે કહ્યું છે. તેમણે ઉમાને ડિસેમ્બરમાં પણ બોલાવ્યા હતા. ઉમા કહે છે કે, હું ત્યાં ગઈ અને તેમણે મને જેપણ કામ આપ્યું છે તે મેં કર્યું છે. હું 18 જાન્યુઆરીથી જ અયોધ્યામાં રહીશ.