અયોધ્યાના રામ મંદિરને લઈને નેપાળ પણ ઉત્સાહિતઃ કારણ કે, નેપાળમાં આવેલું છે સીતાજીનું "જન્મસ્થળ"

નેપાળને આશાઓ છે કે રામ મંદિર જન્મભૂમિ મંદિરના દર્શન માટે વિશ્વભરમાંથી આવનારા લોકો, માતા સીતાજીના જન્મ સ્થાનની પણ યાત્રા કરશે. 

Share:

હાઈલાઇટ્સ

  • નેપાળને આશા છે કે, ભારતમાં રામ મંદિર બનવાથી તેમના ત્યાં પણ પર્યટનની શક્યતાઓ વધી જશે
  • નેપાળના જનકપુરને ભગવાન રામના પત્ની માતા સીતાજીનું જન્મસ્થાન માનવામાં આવે છે

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને હવે એક મહિના જેટલો જ સમય બચ્યો છે. ત્યારે નેપાળ પણ રામ મંદિરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. નેપાળને આશાઓ છે કે, ભારતમાં રામ મંદિર બનવાથી તેમના ત્યાં પણ પર્યટનની શક્યતાઓ વધી જશે. કારણ કે, નેપાળના જનકપુરને ભગવાન રામના પત્ની માતા સીતાજીનું જન્મસ્થાન માનવામાં આવે છે, ત્યારે નેપાળને આશાઓ છે કે રામ મંદિર જન્મભૂમિ મંદિરના દર્શન માટે વિશ્વભરમાંથી આવનારા લોકો, માતા સીતાજીના જન્મ સ્થાનની પણ યાત્રા કરશે. 

ત્યારે નેપાળ અયોધ્યાના રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે વિભિન્ન પ્રકારના આભૂષણો, વાસણો, કપડા અને મિઠાઈઓથી યુક્ત એક સ્મૃતિ ચિહ્ન પણ મોકલશે. આ સ્મૃતિ ચિન્હ આપવા માટે જનકપુર ધામથી અયોધ્યાધામ સુધી એક વિશિષ્ઠ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જાનકી મંદિરના મહંત રામ રોશન દાસ વૈષ્ણવે જણાવ્યું કે, 18 જાન્યુઆરીથી શરૂ થનારી યાત્રા 20 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં સમાપ્ત થશે. તે જ દિવસે સ્મૃતિ ચિહ્ન શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર ટ્રસ્ટને આપવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીના રોજ થશે. 

જનકપુરથી શરૂ થનારી આ વિશિષ્ઠ યાત્રા જલેશ્વર નાથ, મલંગવા, સિમરૌનગઢ, ગઢીમાઈ, બીરજંગ, બેતિયા, કુશીનગર, સિદ્ધાર્થનગર અને ગોરખપુર થઈને અયોધ્યા પહોંચશે. આ પહેલા પણ નેપાળમાં કાલીગંડકી નદીના તટ પરથી એકત્ર કરાયેલા શાલિગ્રામ પથ્થરોને ભગવાન શ્રી રામની પ્રતિમા બનાવવા માટે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા અને તેને ઉદ્ઘાટનના દિવસે મંદિરમાં સ્થાપિત કરાશે. 


22 જાન્યુઆરીએ અયોધ્યામાં ઉતરશે 100 વિમાન 

22 જાન્યુઆરીના રોજ ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યામાં એરપોર્ટ પર 100 થી વધારે વિમાનો ઉતરશે. હકીકતમાં દેશ-વિદેશથી અનેક મહેમાનો આ કાર્યક્રમમાં આવવાના છે. અને એટલે જ 100 થી વધારે પ્લેન એ દિવસે અયોધ્યાના મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવાની શક્યતા છે. આ સિવાય વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.