મુંબઈ કોંગ્રેસના મોટા નેતા મિલિંદ દેવડાએ આપ્યું રાજીનામુંઃ કહ્યું હવે વિકાસના રસ્તે જાઉં છું!

મિલિંદ દેવડાના કોંગ્રેસ છોડવા પર એકબાજુ ભાજપે રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા છે તો કોંગ્રેસ નેતાઓએ મિલિંદ દેવડાને સવાલો પૂછ્યા છે. બીજેપી આઈટી સેલ ચીફ અમિત માલવીયએ કહ્યું છે કે, રાહુલ ગાંધીને પહેલા તો પોતાની પાર્ટીના નેતાઓ સાથે ન્યાય કરવો જોઈએ અને પછી ન્યાય યાત્રા કરવી જોઈએ.

Share:

હાઈલાઇટ્સ

  • મિલિંદના રાજીનામા પર કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જો કોઈ પાર્ટી છોડે છે તો છોડી દે.
  • આ વચ્ચે કોંગ્રેસ છોડ્યા બાદ તેમણે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. મિલિંદે કહ્યું કે, હવે હું વિકાસના રસ્તે નિકળી ગયો છું. 

મુંબઈના એક મોટા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિધું છે. તે આજે એકનાથ વાળી શિવસેનામાં જોડાશે. મુખ્યમંત્રી શિંદેને મળ્યા પહેલા તેઓ સિધ્ધી વિનાયક મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ વચ્ચે કોંગ્રેસ છોડ્યા બાદ તેમણે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. મિલિંદે કહ્યું કે, હવે હું વિકાસના રસ્તે નિકળી ગયો છું. 

મિલિંદ દેવરા 2024 લોકસભા ચૂંટણીમાં મુંબઇની દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસ આ બેઠક ઠાકરે જૂથને આપવા પર સહમત પણ છે. આ વાતથી મિલિંદ દેવરા નારાજ હતા.

આ બેઠકનું પ્રતિનિધિત્વ 2014 પહેલાથી મિલિંદ દેવરા કરતા હતા. આ પહેલા મિલિંદ દેવરાએ કહ્યું હતું કે બેઠકની વહેંચણી પર ઔપચારિક વાતચીત હજુ પૂર્ણ થઇ નથી માટે કોઇએ પણ દાવો ના કરવો જોઇએ. શિવસેના (ઉદ્ધવ જૂથ) મહા વિકાસ અઘાડી (એમવીએ)માં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ગઠબંધનની સહયોગી છે. કોંગ્રેસના સીનિયર નેતા મુરલી દેવરાના પુત્ર મિલિંદ દેવરાએ 2004 અને 2009માં મુંબઇ દક્ષિણ બેઠક પર જીત મેળવી હતી.

કોંગ્રેસના સુત્રો અનુસાર, દક્ષિણ મુંબઇની બેઠક ઠાકરે સેના માટે છોડવામાં આવશે. આ બેઠક પર ઉદ્ધવ જૂથના અરવિંદ સાવંત વર્તમાન સાંસદ છે. અરવિંદ સાવંતે શિવસેનામાં બળવા છતા ઉદ્ધવ ઠાકરેનો સાથ આપ્યો હતો. મુશ્કેલ સમયમાં ઉદ્ધવ ઠાકરેનો સાથ આપનારા અરવિંદ સાવંત માટે આ બેઠક છોડવામાં ના આવી તો ખોટો મેસેજ જશે, માટે સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવ્યું કે દક્ષિણ મુંબઇની બેઠક ઠાકરે સેના માટે છોડવામાં આવશે. કોંગ્રેસ તરફથી જલ્દી આ મામલે જાહેરાત કરવામાં આવશે.