છેલ્લા 24 કલાકમાં 636 નવા દર્દી નોંધાયા, આખરે રોજેરોજ કેમ વધી રહ્યા છે નવા કેસ?

દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વઘારો એ ચિંતાનું કારણ છે. જો કે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર નવો વેરિયન્ટ વધુ ઘાતક ન હોવાથી દર્દીઓ ઘરે જ સાજા થઈ રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • દેશમાં એક દિવસમાં 636 નવા કેસ અને 3 મૃત્યુ નોંધાયા
  • ગુજરાતમાં પણ સતત વધી રહ્યા છે કોરોનાના નવા કેસ

નવી દિલ્હી: સોમવારે જાહેર કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં 24 કલાકના સમયગાળામાં કોરોના વાયરસના 636 નવા કેસ નોંધાયા છે. જેથી ભારતમાં સક્રિય કોવિડ-19 કેસનો ભાર ધીમે ધીમે વધીને 4,394 પર પહોંચ્યો છે. આ ઉપરાંત એક જ દિવસમાં વધુ ત્રણ મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક 5,33,364 પર પહોંચ્યો છે. સોમવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર કેટલાક રાજ્યોમાં વર્તમાન કોવિડ -19 કેસોની સંખ્યામાં વધારો થયો છે.

કેમ વધી રહ્યા કોરોનાના કેસ?
વેબસાઇટ મુજબ, અત્યાર સુધીમાં કુલ 4,44,76,150 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા છે, એટલે કે દેશનો રિકવરી રેટ 98.81 ટકા છે. વર્તમાન મૃત્યુ દર 1.18 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બર પહેલા, દરરોજ કેસની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી ગઈ હતી પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ JN.1 અને ઠંડા હવામાનના કારણે દૈનિક કેસોમાં વધુ એક વખત વધારો થયો છે.

અમદાવાદમાં વકર્યો કોરોના
પ્રાપ્ત અહેવાલો અનુસાર શહેરના પશ્ચિમ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાના વધુ 21 કેસ નોંધાતા મ્યુનિસિપલ હેલ્થ ખાતાને સાવચેતીના વધુ પગલાં લેવાની સૂચના અપાઈ હોવાનું જાણવા મળ્યું ચે.

હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી મોટાભાગના કોરોના કેસ પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નોંધાયા હતા, પરંતુ હવે મણિનગર, શાહીબાગ, ભાઈપુરા, ઈસનપુર, ખોખરા તથા દાણીલીમડા જેવા વિસ્તારોમાંથી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

એક દિવસમાં અમદાવાદમાં કોરોનાના 21 કેસ નોંધાયા હતા. જેમાં 8 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અમેરિકા, કેનેડા, કેરલા, મુંબઈ, કચ્છ અને વડોદરાની જણાઈ આવી છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી છે. ગુજરાતની વાત કરીએ તો અહીં નવા વેરિયન્ટ JN.1ના 36 જેટલા કેસ નોંધાયા છે.