LPG: રાજસ્થાનમાં ભાજપ સરકાર, ત્યાં ગેસનો બાટલો રૂ 450 અને ગુજરાતમાં રૂ 910 કેમ?

ગુજરાતના કેટલા અખબારોમાં રાજસ્થાન સરકારની સસ્સા રાંધણ ગેસ અંગે કરેલી જાહેરાત બાદ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

Courtesy: ફાઈલ તસવીર

Share:

હાઈલાઇટ્સ

  • રાજસ્તાનમાં ગેસ 450માં મળે છે અને ગુજરાતના લોકો ડબલ રકમ ચૂકવે છે: ચાવડા
  • 'ગુજરાતના લોકોને પણ તે જ લાભ મળે તેવી જાહેરાતો ભાજપ ક્યારે પ્રકાશિત કરશે'

ગાંધીનગર: કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ સોમવારે જણાવ્યું હતું કે, પડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપ સરકારે સોમવારે લોકોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ગુજરાતમાં ભાજપને સત્તા પર પહોંચાડનારા લોકો રાંધણ ગેસ માટે લગભગ ડબલ રકમ ચૂકવી રહ્યા છે.

રાજસ્થાનના લોકોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે તેવી ગુજરાતના અખબારોમાં છપાયેલી જાહેરાતોનો ઉલ્લેખ કરતાં ચાવડાએ કહ્યું કે, હું ગુજરાતમાં ડબલ એન્જિનવાળી સરકારને પૂછવા માંગુ છું કે, ગુજરાતના લોકોને પણ તે જ લાભ મળે તેવી જાહેરાતો તમે ક્યારે પ્રકાશિત કરશો? કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે ગુજરાતમાં રાજ્ય સરકારે પેટ્રોલ, ડીઝલ અને આવશ્યક ચીજવસ્તુઓના ઊંચા ભાવથી પરેશાન લોકોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવું જોઈએ.

રાજસ્થાનમાં 450 રૂપિયામાં રાંધણ ગેસ
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ટોંકમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ નવા વર્ષ પર ઉજ્જવલા અને બીપીએલ ગેસ કનેક્શન ધારકોને મોટી ભેટ આપી છે. આ અંતર્ગત 1 જાન્યુઆરીથી આ કનેક્શન ધારકોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે.

આ રીતે 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બુધવારે વિકાસ ભારત સંકલ્પ યાત્રાનું નિરીક્ષણ કરવા ટોંક જિલ્લામાં લંબહારી સિંહ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે પીએમ મોદીની ગેરંટી હેઠળ બીપીએલ અને ઉજ્જવલા યોજના પરિવારોની મહિલાઓને નવા વર્ષના પહેલા દિવસથી મોટી ભેટ મળશે. જેમાં એલપીજી સિલિન્ડર પર સબસિડી મળશે. જે અંતર્ગત લાભાર્થી મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. આ યોજના હેઠળ સબસિડીની રકમ રાજ્ય સરકાર ઉઠાવશે અને આ સબસિડી સીધી લાભાર્થી મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

1 જાન્યુઆરીથી રાજ્ય સરકાર દ્વારા દર મહિને 30 લાખ સિલિન્ડર રિફિલ કરવામાં આવશે, જે 450 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સમયગાળા દરમિયાન મહિલાઓને સબસિડી આપવા પર રાજ્ય સરકારે દર મહિને રૂ. 52 કરોડનો વધારાનો બોજ ઉઠાવવો પડશે. હાલમાં LPG સિલિન્ડર 906 રૂપિયામાં મળે છે. ઉજ્જવલા કનેક્શન ધારકોને કેન્દ્ર સરકાર તરફથી 300 રૂપિયાની સબસિડી મળી રહી છે. હવે રાજ્ય સરકાર દ્વારા 156 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ પછી મહિલાઓને 450 રૂપિયામાં સિલિન્ડર મળશે.