'તમે અમારા ઓક્સિજન, સપોર્ટ કરજો નહીં તો..', ભારત જોડો ન્યાય યાત્રા પહેલાં કોંગ્રેસની પત્રકારોને અપીલ

ભારત જોડો ન્યાય યાત્રાને લઈ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે 14 જાન્યુઆરીના રોજ ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરવા જઈ રહ્યા છે. આ યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાશે.

Share:

હાઈલાઇટ્સ

  • મલ્લિકાર્જુન ખડગેએ મીડિયાને અપીલ કરી કે અમારો સાથ આપજો
  • રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરુ થવા જઈ રહી છે
  • મણિપુરના ઈમ્ફાલથી મુંબઈ સુધી આ યાત્રા છે

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 14 જાન્યુઆરીના રોજ મણિપુરના ઈમ્ફાલથી શરુ થશે. આ યાત્રા દરમિયાનન રાહુલ ગાંધી 14 રાજ્યો અને 85 જિલ્લાઓને કવર કરશે. આ યાત્રાને લઈ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે 14 જાન્યુઆરીના રોજ ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા મણિપુરથી શરુ થશે. જે 15 રાજ્યોમાંથી પસાર થઈને મુંબઈ પહોંચશે. 

યાત્રા આટલું કવર કરશે 
મહત્વનું છે કે, આ યાત્રા 100 લોકસભા સીટો અને 300થી પણ વધારે વિધાનસભા સીટોને કવર કરશે. લગભગ 6700 કિમીની આ યાત્રા રહેશે. મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાના સમર્થનમાં અપીલ કરી અને કહ્યું કે, અમને સપોર્ટ કરજો, નહીં તો અમે ખતમ થઈ જઈશું. તમે અમારા ઓક્સિજન છો. 
 
ન્યાયનો હક મળે 
કોંગ્રેસ પાર્ટીએ ભારત જોડો ન્યાય યાત્રાનો લોગો પણ જારી કર્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોગો પોસ્ટ કરતા કહ્યું કે, ભારત જોડો ન્યાય યાત્રા, ન્યાયનો હક મળવા સુધી. 

દેશવાસીઓની દુઆ
કોંગ્રેસ પાર્ટી તરફથી શેર કરવામાં આવેલા એક વીડિયો પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે, અન્યાય વિરુદ્ધ ન્યાયની આ લડાઈમાં અમે ફરીથી જઈ રહ્યા છે. કરોડો દેશવાસીઓનો પ્રેમ અને પ્રાર્થના સાથે લઈને, તાનાશાહી અને અહંકારને સખત જવાબ આપવા માટે. પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા આ ન્યાય યાત્રામાં અમારી સાથે જોડાવો. ન્યાયની આ યાત્રા ચાલુ રહેશે, જારી રહેશે. ન્યાયનો હક મળે નહીં ત્યાં સુધી.