શ્રીરામની મૂર્તિને લઈને મોટો ખુલાસોઃ શ્યામ રંગ, બાળસ્વરૂપ અને 1.5 ટન વજનની હશે શ્રીરામની મૂર્તિ

રામલલાની મૂર્તિમાં 5 વર્ષના બાળકની કોમળતા, ચહેરા પરનું સ્મિત, આંખોની દ્રષ્ટી, શરીર અને તેમાં રહેલી દિવ્યતા, આ તમામ વિગતોને પણ મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવી છે.

Share:

ભગવાન રામની નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. અયોધ્યાના લોકો પોતાના આરાધ્યને લઈને ઉત્સાહિત છે અને આખી અયોધ્યાને વિશેષ રૂપથી સજાવાઈ રહી છે. રામલલ્લાની મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચીવ ચંપત રાયે મૂર્તિને લઈને મોટી વાત કહી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે જે મૂર્તિ શ્રીરામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થશે અને તે શ્યામ રંગની હશે. 

રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પ્રથમ વખત રામ મંદિરમાં સ્થાપિત થનારી મૂર્તિની વિશેષતા જણાવતા કહ્યું કે ભગવાન રામ લાલાની પસંદ કરેલી મૂર્તિ શ્યામ રંગની છે. આ ઉપરાંત રામલલાની મૂર્તિમાં 5 વર્ષના બાળકની કોમળતા, ચહેરા પરનું સ્મિત, આંખોની દ્રષ્ટી, શરીર અને તેમાં રહેલી દિવ્યતા, આ તમામ વિગતોને પણ મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવી છે. ચંપત રાયે જણાવ્યું કે તેઓ ભગવાન રામ વિષ્ણુના અવતાર છે અને તેઓ રાજા દશરથના પુત્ર પણ છે. આ પ્રતિમામાં રાજાના પુત્ર અને દેવતા પણ છે.

રામચરીત માનસ અને વાલ્મીકી રામાયણમાં વર્ણિત ભગવાન રામના સ્વરૂપને લઈને જે વર્ણન કરવામાં આવ્યું છે તેના જ આધારે રામ મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે. 

ચંપત રાયે જણાવ્યું કે, અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમાનું નિર્માણ ત્રણ મૂર્તિકારોએ કર્યું છે. તેમાંથી એક મૂર્તિને પ્રભુની પ્રેરણાથી સ્વિકાર કરી લેવામાં આવી છે. તમામ મૂર્તિઓ અમારી પાસે રહેશે, બધાએ મોટી તન્મયતા સાથે કામ કર્યું છે. બધાનું સન્માન થશે. પ્રભુની પ્રેરણાથી જે મૂર્તિની પસંદગી કરવામાં આવી છે કે જેની ઉંચાઈ 51 ઈંચ છે. 5 વર્ષના બાળ સ્વરૂપમાં ભગવાન શ્રીરામ ધનુષ અને તીર સાથે છે અને આનું વજન 1.5 ટન છે.